ભારત......બોળી બાંમણીનું ખેતર....

વેબ દુનિયા

બુધવાર, 6 ઑગસ્ટ 2008 (13:06 IST)
NDN.D

બસો વર્ષ જુની અંગ્રેજોની ગુલામીને ઉખાડી નાખનાર ભારત અને આજના બેબસ ભારત વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સમયની સાથે સર્વે દિશામાં વિકાસ કરતો આ દેશ આજે જાણે કે બોળી બાંમણીનું ખેતર બન્યો છે.

પોલીટીશિયનો, કરપ્ટ ઓફિસરો સહિતના લોલુપો, તકવાદીઓ બંને હાથે ખોબલે ને ખોબલે આ દેશને લૂંટી રહ્યા છે. લૂંટાઇ રહેલ સામાન્ય માણસ પાસે બિચારા બની તમાશો જોવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.

રેશનીંગ કાર્ડ લેવું હોય કે પછી સાત બારનો ઉતારો લેવો હોય, દરેક જગ્યાએ સરકારી બાબુઓ કે તેમના ચેલાઓને જ્યાં સુધી પ્રસાદના આપો ત્યાં સુધી કામ ના થાય,

શિક્ષણની વાતો કરતી સરકારો માત્ર જાહેરાતો કરવામાં જ રહે છે, પોતાના પુત્રને ઉચ્ચ શિક્ષણ માટે મોકલવા ઇચ્છતા એક મધ્યમ પરિવારના પિતાની લાગણી, વ્યથા જેને જોઇ હોય એને જ ખબર પડે કે કેવી રીતે લોનના રૂપિયા હાથમાં આવે છે.

બહારથી સ્વતંત્ર થયેલો આપણો આમઆદમી અંદરથી ખોખલો થઇ ગયો છે. સામાન્ય માણસને પોતાને લાયક કોઇ કામ મળતું નથી તો બીજી બાજુ કામથી રઘવાયો થયેલ એક્ઝિક્યુટીવ શાંતિ માટે ફાંફા મારી રહ્યો છે. આવા સમયે આંતકવાદીઓ બોમ્બ ધમાકા કરી સૌને હચમચાવી રહ્યા છે.

નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર આવી જધન્ય ઘટનાઓથી માણસ-માણસ, ધર્મ-ધર્મ વચ્ચેનું અંતર જેટ ગતિએ વધી રહયું છે ત્યારે ધર્મના નામે આરક્ષણની વાત થાય તો કેવા પરિણામ આવશે? એ વિચાર કરવા જેવો મુદ્દો છે. દરેકને શિક્ષણનો હક મળવો જ જોઇએ. પરંતુ ધર્મના વાડામાં શિક્ષણ વહેંચાઇ જશે તો દેશની સિકલ બદલાઇ જશે.

સરકારી મકાન ખાલી કરાવવાના મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ સરકાર કારકૂનનાં અભિપ્રાય વિરૂધ્ધ પણ કંઈ કરવાની હિંમત નથી. જસ્ટીસ બી એન અગ્રવાલ અને જી એસ સિંઘવીની બેન્ચે ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે ભગવાન પણ દેશને બચાવી નહીં શકે. જો ભગવાન પણ ધરતી પર આવી જાય તો પણ આપણા દેશની સિસ્ટમને બદલી નહીં શકે. આ દેશમાંથી સંસ્કાર જતાં રહ્યાં છે, અને આપણે બેબસ બની ગયા છીએ.શુ થશે આ દેશનું?

આ બધી વાતો પરથી એવું નથી લાગતું કે આ દેશ સાચે જ ભગવાન ભરોસે ચાલે છે! હાથમાં જે કંઇ આવ્યું એનાથી સૌ કોઇ પોતાના ગજવા ભરી રહ્યા છે, ધર્મની વાત હોય કે હકની વાત,

શુ આમ જ લૂંટાતો રહેશે આ દેશ. ક્યારે જાગશે આ દેશનો યુવાન...પોતાના હક માટે ક્યારે જાગશે આ દેશનો આમ આદમી...

વેબદુનિયા પર વાંચો