મંત્રીઓ થયા ઘરભેગા !

હરેશ સુથાર

શનિવાર, 25 એપ્રિલ 2009 (15:44 IST)
N.D
પ્રજા માનસને ઓળખવું ભારે કામ છે. જનતા વારી જાય તો ખોબલે ખોબલે મત આપે, બાકી જો વિફરે તો ભલભલા મોટા ગજાના નેતાઓને પણ ઉભી પૂંછડીએ ભગાડે અને ઘર ભેગા કરી દે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ કંઇ આવું જ થયું હતું. કેન્દ્રના મંત્રી મંડળમાં મંત્રી પદ મળ્યા પછી જનતાને ભુલી જનારા આ નેતાઓઆ પણ કંઇ આવા જ હાલ થયા હતા. એમાં મોટા મોટા નામ હતા.

(1) મુરલી મનોહર જોશી - માનવ સંશોધન મંત્રી, ભાજપ. ઉત્તર પ્રદેશની અલ્હાબાદ બેઠક પરથી ચૂંટણી લડતા આ મહાશયને રેવતી રમણ સિંઘે 28,383 મતોની લીડ આપી ઘરભેગા કર્યા હતા.

(2) યશવંતસિંહા - વિદેશ મંત્રી, ભાજપ. સીપાઇના બી.પી.મહેતાએ આ મંત્રીને એક લાખથી વધુ મતોથી હાર આપી હતી. તેઓ ઝારખંડના હઝારીબાગથી ચૂંટણી જંગમાં ઉભા હતા.

(3) રામ નાઇક - પેટ્રોલિયમ મંત્રી, ભાજપ. મહારાષ્ટ્રના ઉત્તર મુંબઇમાંથી મેદાને જંગમાં ઝુકાવનાર આ મોટા નેતાને જાણીતા ફિલ્મ અભિનેતા ગોવિદાના હાથે માત ખાવી પડી હતી. ગોવિંદાએ તેમને 48 હજાર મતોની લીડ આપી હતી.

(4) જગમોહન - પ્રવાસન મંત્રી, ભાજપ. ન્યૂ દિલ્હીથી ચૂંટણી લડનાર જગમોહનને અજય મેકને 92 હજારથી વધુ મતોની લીડ સાથે હરાવ્યા હતા.

(5) શરદ યાદવ - કન્ઝ્યુમર અફેર્સ, જેડી(યુ). બિહારના માધેપુરામાં ભારે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં બિહારના માજી મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે આ નેતાને 69,900 મતોથી કારમી હાર આપી હતી.

(6) સૈયદ શાહનવાઝ હુસૈન - ટેક્સટાઇલ મંત્રી, ભાજપ, બિહારના કિશનગઢ ખાતેથી ચૂંટણી જંગમાં ઉભા રહેનાર આ નેતાને આર.જે.ડીના તસ્લીમુદ્દીને 1,60,497 મતોથી ભૂંડી રીતે પરાજય આપ્યો હતો.

(7) નિતિશ કુમાર - રેલવે મંત્રી, જેડી(યુ). બિહારમાં બર્થ બેઠક ઉપર આ નેતાને આર.જે.ડીના વિનય ક્રિષ્ણાએ 33,353 મતોથી હરાવી અપસેટ સર્જ્યો હતો.

(8) સાહિબ સિંઘ વર્મા - શ્રમ મંત્રી, ભાજપ. દિલ્હીના ઉપ વિસ્તારની બેઠક પરથી ચૂંટણી લડતાં કોંગ્રેસના સજ્જન કુમારે આ નેતાને સવા બે લાખ મતોની લીડથી કારમી હાર આપી હતી.

(9) વિજય ગોયલ - યુવા અને રમત મંત્રી, ભાજપ. પાટનગર દિલ્હીથી ચૂંટણી લડતા આ નેતાને કોંગ્રેસના જગદીશ ટાઇટલરે 35,974 મતોથી હાર આપી હતી.

(10) કારિયા મુન્ડા - ઉર્જા મંત્રી, ભાજપ. ઝારખંડની ખુંતી બેઠક પરથી કોંગ્રેસના સુશીલા કેરકેટ્ટાએ 51,226 મતોથી હરાવ્યા હતા.

(11) સી.પી.ઠાકુર - લઘુ ઉદ્યોગ મંત્રી, ભાજપ. બિહારની પટણા બેઠક ઉપરથી ચૂંટણી લડતાં આર.જે.ડીના રામ ક્રિપાલ યાદવે 38,562 મતોથી પરાજય આપ્યો હતો.

(12) શાન્તા કુમાર - ગ્રામવિકાસ મંત્રી, ભાજપ. હિમાચલ પ્રદેશની કાંગરા બેઠક પરથી ચૂંટણી લડતાં કોંગ્રેસના ચંદર કુમારે તેમને 17,791 મતથી હરાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો