ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે. ગામ વસ્યું નથી ત્યાં લુટનારા આવી ચડ્યા. અહીં વાર્તાનો પ્લોટ સરખો છે પરંતુ ટર્ન થોડો અલગ છે. વાત છે જામી રહેલા ચૂંટણી જંગની અને એમાં હાઇટેક પ્રચારમાં આગળ રહેલા ભારતીય જનતા પાર્ટીની. પી.એમ ઇન વેઇટીંગ જેવો નવો શબ્દ આપણા ત્યાં પ્રચલિત કરનાર ભારતીય જનતા પાર્ટી સાચે જ એક નહીં પરંતુ ચાર ડગલા આગળ ચાલી રહી છે.
P.R
ભાજપે ચાલી રહેલી લોકસભા 2009ની ચૂંટણી માટે પી.એમ ઇન વેઇટીંગ તરીકે અડવાણીને પ્રમોટ કર્યા છે એ તો સૌ કોઇ જાણે છે. પરંતુ હાલમાં નવો વિવાદ ઉઠ્યો છે. ભાજપે પેટ ચોળીને વિવાદ ખડો કર્યો છે. ભાજપના જ વરિષ્ઠ નેતા અરૂણ શૌરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લાલકૃષ્ણ અડવાણીના અનુગામી તરીકે ચરિતાર્થ કરી 2014ના આગામી પી.એમ તરીકે ઉલ્લેખતાં ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ પરપોટા બની સપાટીએ આવી રહ્યો છે.
પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહ સાથેની અણબણથી અરૂણ જેટલીએ પણ શૌરીની વાતમાં સૂર પુરાવતાં મોદી વિવાદમાં ઘેરાઇ ગયા છે. જોકે આ વિવાદ જેટલી તીવ્રતાથી ઉઠ્યો એટલી જ ઝડપથી એને ઠારવા પ્રયાસ પણ કરાઇ રહ્યો છે. પરંતુ આગ ઉપર પાણી રેડતાં ધુમાડો ઉઠી રહ્યો છે જે સૌ કોઇની આંખો બાળી ગયો છે.
અડવાણીના નજીક ગણાતા મોદી માટે કેટલાક નેતાઓને ગમો છે તો કેટલાકને અણગમો, તો વળી અરૂણ જેટલી જેવા નેતાઓ રાજનાથને પાડી દેવા પણ મોદી મંત્રનો ઉપયોગ કરી શકે એમ છે. ભાજપ માટે આ ચૂંટણીમાં બહુમત મેળવવો ભારે છે ત્યાં આગામી પી.એમ પદને લઇને થઇ રહેલો વિવાદ ભાજપ માટે આગળ જતાં ઘમી બધી મુસીબતો સર્જી શકે એમ છે. આ જોઇ બોલી જવાય છે કે, ગામ વસ્યું નથી ત્યાં....