(1) તમારી સામે ઉઠનારા હાથને હુ કાપી નાંખીશ (2) ભલે મારૂ ગળુ કપાઇ જાય એની મને કોઇ પરવા નથી પરંતું આ ક્ષેત્રમાં હુ તમારૂ ગળુ કોઇની સામે ઝુકવા નહી દઉં, (3) રાતે માતા બાળકોને કહે છે સુઇ જાવ નહીં તો વરૂણ ગાંધી આવશે.... (4) જો તમને કોઇ પરેશાન કરે તો આ મંત્રની માળા કરવી વરૂણ ગાંધી...વરૂણ ગાંધી......
આ શબ્દો છે ગાંધી કુંટુંબના નબીરા વરૂણ ગાંધીના કે જે પોતાની જાતને ગબ્બર ગાંધી તરીકે ઓળખાવી રહ્યો છે. માસુમ લાગતો આ ચહેરો પોતાની બેલગામ જીભ દ્વારા રાજકીય સત્તા મેળવવા મથી રહ્યો છે.
શિસ્ત, માન , મર્યાદા અને નીતિમત્તાના સિધ્ધાતો પર રચાયેલ ભારતીય જનતા પાર્ટી તરફથી તે ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. વરૂણ નીત નવા વિવાદ છેડી જાતને ચર્ચામાં રાખી લોકોના દિમાગમાં છવાઇ વોટ કેશ કરવા મથી રહ્યો છે. મૂંગા પ્રાણીઓ માટે લડત ચલાવતા મેનકા ગાંધીનો આ પુત્ર રાજકીય ચોપાટ ઉપર લડાયક બની ગર્જી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણના મામલે વિવાદમાં ફસાયા બાદ રાસુકા હેઠળ વરૂણ ઉપર કેસ ચાલી રહ્યો છે તો બીજી બાજુ શરતી જામીન ઉપર બહાર આવેલા ગાંધી ગબ્બર તરફ જઇ રહ્યો છે.
લોકોના હાથ કાપી નાંખવાની વાતો કરતો 29 વર્ષિય વરૂણ બાર બોરની ગન, એનપીબી પિસ્તોલ તથા એનપીબી રાયફલ રાખે છે. જાણે કે પોતાની જાતને રોબિન હુડ માનતો વરૂણ પીલીભીતના લોકોને પહેલા ડરાવી રહ્યો છે બાદમાં તેમને ભયનું મારણ કરવા માટે પોતાના નામના મંત્રની માળા કરવાનું કહી તેનું નિવારણ પણ કરે છે. ગાંધીમાંથી ગબ્બર બનવા જઇ રહેલ વરૂણ રાજકીય ચોપાટ ઉપર શુ સાબિત કરવા ઇચ્છી રહ્યો છે સૌ કોઇ માટે ચર્ચાનો વિષય બન્યો છે. શુ છોકરાના ખભે બંદુક મુકી ભાજપ કોઇ નિશાન તાકી રહ્યું છે કે પછી ખુદ આ છોકરો નિશાનબાજી કરી રહ્યો છે એ તો આવનાર સમય જ બતાવશે.