મોદી માટે અડવાણીને હરાવો !

હરેશ સુથાર

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (18:42 IST)
N.D

જો તમારે મોદીને પ્રધાનમંત્રી બનાવવા હોય તો ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા લાલકૃષ્ણ અડવાણીને મત ના આપશો...આવી પત્રિકા બજારમાં આવતાં ફરી એકવાર મોદી, ભાજપ અને અડવાણી વિવાદમાં ઘસડાયા છે.

ગુજરાતમાં 26 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન ખાસ કોઇ વિવાદ વગર સંપન્ન થયું છે પરંતુ આજે બજારમાં ફરતી થયેલી એક પત્રિકાએ જબરો વિવાદ ચગાવ્યો છે. જો તમારે નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન તરીકે જોવા છે તો લાલકૃષ્ણ અડવાણીને મતા આપશો નહીં.....આવા લખાણવાળી પત્રિકાએ ભાજપમાં ભૂકંપ સર્જયો છે.

N.D
કોઇ અજાણ્યા લોકો દ્વારા આજે વહેલી સવારે અમદાવાદના શહેરી તથા પરા વિસ્તારમાં ઘરે ઘરે આ પત્રિકાઓ પહોંચતી કરાઇ હતી. આ પત્રિકા બજારમાં આવતાની સાથે જ ભાજપમાં સોપો પડી ગયો હતો તો બીજી બાજુ શહેરમાં ફરી ફરીને મોદી અડવાણીને જીતાડવા માટે મત આપવા અપીલ કરી રહ્યા હતા.

દેખીતી રીતે આ વિરોધાભાસ કેટલો ઉંડો છે એતો પરિણામના દિવસે ખબર પડી જશે પરંતુ એક વાત નક્કી છે કે, ભાજપમાં દેખાય છે એ બધુ શાંત નથી. એકબીજા સાથેનો વિવાદ ઉકળી રહ્યો છે. જે આગામી દિવસોમાં સપાટીએ ખુલ્લેઆમ આવી જાય તો નવાઇ નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસ અગાઉ અમદાવાદ આવેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ શૌરીએ નરેન્દ્ર મોદીને આગામી 2014ની ચૂંટણી માટે અડવાણી બાદ ભાજપના પી.એમ તરીકે ગણાવતાં વિવાદ થયો હતો. ભાજપના નેતાઓ બે ભાગમા વહેચાઇ ગયા હતો. જેમાં તાજેતરમાં ખુદ અડવાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નામ લઇ કહ્યું હતું કે, ભાજપમાં એવા ઘણા નેતાઓ છે કે જે પી.એમ પદ માટે લાયક છે. અડવાણીના આ નિવેદન બાદ આ પત્રિકાનું બહાર આવવું મોદી અને અડવાણી વચ્ચે તિરાડ મોટી થતી હોવાનું સુચવી જાય છે.