નિવૃત આઈપીએસ સૈયદ ભાજપમાં જોડાયા

ભાષા

શુક્રવાર, 3 એપ્રિલ 2009 (11:44 IST)
ગુજરાતમાં વર્ષ 2002 માં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન હુમલાનો ભોગ બનનારા નિવૃત આઈપીએસ અધિકારી અબ્દુલ્લાહ ઈબ્રાહીમ સૈયદે અચાનક ભાજપનો હાથ પકડીને પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી સૌને આશ્વર્યમાં નાખી દીધા છે. બીજી તરફ એ વાત પણ સિદ્ધ થઈ ગઈ છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણીમાં પોતાની છબીને પુન: વિસ્તારીત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે.

એક મુલાકાત દરમિયાન સૈયદે ભાજપમાં જોડાવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે હું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કારણે ભાજપમાં જોડાયો છું. મોદી પણ એ જ જિલ્લાંના વતની છે, જ્યાંનો હું વતની છું. તે એક જ એવા વ્યક્તિ છે જે જાણે છે કે તેઓ શું કહી રહ્યાં છે.

મહેસાણા જિલ્લાના ગંગવાડા ગામના વતની સૈયદ ગત વર્ષે મે માસમાં એડિશનલ ડીજીપીનાં પદેથી નિવૃત થયાં હતાં. માર્ચ 2002 માં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સર્જાયેલા રમખાણો દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ તેમની પોલીસ વેન પર પથ્થરમારો કર્યો હતો.

સૈયદ એ ઘટનાને યાદ કરતા કહે છે કે, ' હું ભગવાનનો આભારી છું જેમણે એ દિવસે મારો જીવ બચાવ્યો હતો. હું કેટલાક ગાંડા માણસો વચ્ચે ઘેરાઈ ગયો હતો જેમનું ભાજપ પાર્ટી સાથે કંઈ લેણ-દેણ ન હતું. જીવ બચાવવા માટે મેં મારી સર્વીસ રિવોલ્વરમાંથી ઓપન ફાયર કર્યું અને બાદમાં ટોળુ વિખેરાઈ ગયું.

સૈયદે કહ્યું કે, તેમણે તાજેતરમાં એક શુભચિંતક બનીને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું કે, ભાજપે તેમના જેવા શિક્ષિત મુસ્લિમોની પાર્ટીમાં નિમણૂક કરવી જોઈએ. થોડા માસ બાદ તેઓ સેવાનિવૃત થઈ ગયાં આ અરસામાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ પરસોતમ રૂપાલાનો એક ફોન આવ્યો જેમણે કહ્યું કે, પાર્ટીમાં તેમની નિયત સમયે નિમણૂક થશે.

સૈયદે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સમયેથી ઓળખે છે જ્યારે તેઓ મહેસાણા પોલીસ અધિક્ષકના રૂપમાં કાર્યરત હતાં. ભાજપ સાથે તેમનો પહેલેથી જ ઝુકાવ રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો