વડોદરામાં CNG નહીં પણ પેટ્રોલ કાર ભડભડ સળગી, પરિવાર માંડ માંડ બચ્યો

ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:34 IST)
સામાન્ય રીતે સીએનજી ગેસથી ચાલતી ગાડીઓમાં આગ લાગવાના બનાવો બનતાં હોય છે. પરંતુ પેટ્રોલ કે ડિઝલની ગાડીમાં આગ લાગવી એ એક કૂતૂહલ પમાડે તેવી વાત છે. વડોદરા શહેરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. શહેરમાં વરણામા ખાતે રોડ પર દોડતી એક કાર અચનાક ભડકે બળી હતી. જેથી કારના દરવાજા પણ લૉક થઇ ગયા હતા અને પરિવારે માંડ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.વડોદરા નજીક આવેલા કાયાવરોહણ ખાતે રહેતા દિપકભાઇ જશભાઇ પટલ તેમના પરિવાર સાથે પોતાની કારમાં ખરીદી માટે વડોદરા આવી રહ્યા હતા.

દરમિયાન બપોરે તેમની કારમાં પોર રોડ પર વરણામા પાસે KBJU કોલેજ સામે રોડ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે કારમાં સવાર પરિવારનો જીવ એક સમયે તો તાળવે ચોંટીં ગયો હતો કારણ કે કારના દરવાજા લૉક થઇ ગયા હતા અને માંડ માંડ તેઓ બહાર નિકળી શક્યા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કારમાં લાગેલી આગને બૂઝાવી હતી. જો કે કાર આગમાં ખાખ થઇ ગઇ હતી. કારના માલિક દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે, હું કાયાવરોહણથી વડોદરા ખરીદી માટે પરિવાર સાથે બલેનો કારમાં નિકળ્યો હતો. મારી કાર માત્ર પેટ્રોલની છે, CNG નથી કરાવી. અમે વરણામા પાસે KBJU કોલેજ પાસે પહોંચ્યા ત્યારે બોનેટના ભાગમાં અચાનક ધડાકો થયો અને કાર સળગવા લાગી. કારમાં આગ લાગતા દરવાજા લૉક થઇ ગયા હતા અને બ્રેક પણ ન્હોતી લાગતી. અમે જેમતેમ કરીને જીવ બચાવી સળગતી કારમાંથી બહાર નિકળ્યા. અમે કારના દરવાજા ખોલવા બહું મથ્યા પછી નસિબ જોગે એકબાજુનો દરવાજો ખુલ્યો તેમાંથી અમે બહાર નિકળ્યા.ડ્રાઇવર સાઇડનો દરવાજો તો ખુલ્યો જ નહીં. રનિંગ કારમાં આગ લાગી ત્યારે બ્રેક તો શું પણ હેન્ડબ્રેક પણ ન્હોતી લાગતી. રનિંગ ગાડી ધીમે ધીમે આગળ જઇને ઉભી રહી. કારમાંથી હું, મારી પત્ની, પુત્રી, ભાણેજ અને ભાણી માંડ હેમખેમ બહાર નિકળી શક્યા. પરંતુ આખી કાર સળગી ગઇ.કારમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. કારમાં આગ લાગતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો શું બન્યું એ જોવા માટે થોડીવાર માટે થંભી ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર