સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારનો વિરોધ
ભાજપ તરફથી સાબરકાંઠા લોકસભા માટે પડતા મુકાયેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના કાર્યકરોએ અરવલ્લી અને મોડાસામાં કમલમના કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.
કાર્યકરોએ કહ્યું કે "શોભનાબહેન બારૈયા આયાતી ઉમેદવાર છે અને તેઓ પાર્ટીનાં સભ્ય પણ નથી. તેમને જો સીધી ટિકિટ આપવામાં આવતી હોય અને પાર્ટી માટે 20-25 વર્ષથી કામ કરતા કાર્યકરોની કદર ન થતી હોય તો આવનારા સમયમાં કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભાજપના કાર્યકરોએ ઘરે બેસી જવું પડશે. એટલે જ ભાજપે ફરીથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવી જોઈએ અને અમે ખાતરી આપીએ છીએ કે તેમને અમે જંગી બહુમતીથી જિતાડીશું."
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં ભીખાજી ઠાકોર સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ભીખાજી ઠાકોરે કહ્યું, "પાર્ટીનો નિર્ણય મારા માટે માથા પર છે. હું નારાજ નથી. હું પાર્ટીનું કામ કરીશ અને કાર્યકરોને પણ સમજાવીશ."