રાજકોટમાં 22 વર્ષ પછી રૂપાલા-ધાનાણી આમને સામને, પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું

શુક્રવાર, 19 એપ્રિલ 2024 (14:20 IST)
Rupala-Dhanani face off in Rajkot after 22 years
 લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ધાનાણી સાથે ક્ષત્રિયો પણ ફોર્મ ભરશે તેવી વાત હતી પરંતુ હજી સુધી તેમની સાથે એકપણ ક્ષત્રિયએ ફોર્મ ભર્યું નથી. રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે.રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે લેઉવા વર્સીસ કડવા પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે. 
 
ફૂલનો હાર પહેરાવી ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું
કબા ગાંધીનાં ડેલે સુતરની આંટી અને ફૂલનો હાર પહેરાવી ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનાણીએ મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓ નિહાળી હતી. બાદમાં ધાનાણીએ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.અહીં ધાનાણીએ ગાંધીજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઊમટી પડ્યા હતા. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. તેઓને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.ધાનાણી સભાસ્થળે પહોંચતા કુમકુમ તિલક અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ચાલુ સભામાં લાઈટ ગુલ થતા લોકો આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. 
 
આ વખતે પણ આ જ રૂપાલાને ધાનાણી હરાવશે
બહુમાળી ભવન ખાતેની સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, પરેશભાઈ નામાંકન કરવાં જાય તે પહેલાં ‘હે મા ખોડલ તું તેને શક્તિ આપ’, મહાભારતનો સીન દેખાય છે. અભિમન્યુએ કહ્યું હતુ કે નવ કોઠા વિંધીશ તે રીતે પરેશ ધાનાણી અભિમન્યુ બની 9 કોઠા વિંધશે. 5 વર્ષ પહેલાં પાટીદાર યુવાનોના બલિદાનને યાદ કરજો. 22 વર્ષ પહેલાં આ જ રૂપાલાએ કહ્યું હતું કે, આ દૂધ પીતા છોકરા શું કરી શકશે. પણ આ જ યુવાને રૂપાલાને હરાવ્યા હતા. ત્યારે આ વખતે પણ આ જ રૂપાલાને ધાનાણી હરાવશે. રૂપાલાને દૂર કરવામા આવે તેમ જણાવ્યું હતું.
 
ધોળા દિવસે લાઈટ ગુલ થઈ આ વિકાસને હરાવવાનો છે
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પરસેવો પાડીને ખાનારા અનેક લોકોને મહેનત કરવી છે પણ તક મળતી નથી. અથાક મહેનત કરવા છતાં બે ટાઈમ જમવા મળતું નથી. ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે, હે પ્રભુ રાજકોટ અને ગુજરાત સહિત દેશનો પ્રત્યેક વ્યક્તિ કે જેને પરસેવો પાડી મહેનત કરવી છે તેના ઘરે બે ટાઈમ સ્વાભિમાનનો રોટલો તેના બાળકોને મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી છે. આ અહંકારની સરકાર સામે જન જનનાં સ્વાભિમાનની લડાઈનો શંખનાદ આજે રાજકોટથી થવા જઈ રહ્યો છે. રાજકોટની પ્રજા સરકારનો અહંકાર ઓગાળવામાં સાથ આપશે અને પોતાના આશીર્વાદ આપશે તેવો મને વિશ્વાસ છે.ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે લાઈટ ગુલ થઈ આ વિકાસને હરાવવાનો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર