Election Commission notice to PM Modi-Rahul- આજે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ને નોટિસ મોકલી છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
શું કહેવું છે ચૂંટણી પંચનું
આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
ચૂંટણી પંચે કેમ મોકલી નોટિસ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકતો લઈ લેવામાં આવશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે સરકાર બન્યા બાદ માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની જાણકારી લઈને પછી તેનું વિતરણ કરીશું. વડપ્રધાન મોદીની આ નિવેદનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.