લોકસભા ચૂંટણી 2019-ગુજરાતમાં આ 7 બેઠકો પર કોંગ્રેસ તરફથી 8 મહિલાઓએ નોંધાવી દાવેદારી

મંગળવાર, 19 માર્ચ 2019 (12:36 IST)
લોકસભાની ચૂંટણીઓ માટે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઇને અત્યારે મથામણો કરી રહી છે, ત્યારે ગુજરાત કૉંગ્રેસમાં 8 મહિલાઓએ લોકસભા માટે દાવેદારી નોંધાવી છે. આ 8 પૈકી 3 મહિલાઓને કૉંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલાઓને 33 ટકા અનામતની વાત કરી હતી. કૉંગ્રેસ તરફથી 2 બેઠક પર બે-બે મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. અમરેલી બેઠક પર 2 મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેની ઠુમ્મર અને કોકિલા કાકડીયાએ અમરેલીની ટિકિટની માંગણી કરી છે. તો દાહોદ બેઠક પરથી પણ 2 મહિલાઓએ દાવેદારી નોંધાવી છે.
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવડીયા અને ચંદ્રિકા બારીયાએ ટિકિટની માંગણી કરી છે. કચ્છ બેઠક પરથી કોકિલા પરમારે દાવેદારી નોંધાવી છે. તો સુરેન્દ્રનગર બેઠક પરથી કલ્પના મકવાણાએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ લોકસભા બેઠકની ટિકિટની માંગણી ઉર્વશી પટેલે કરી છે. તો જૂનાગઢ બેઠક પરથી જલ્પા ચુડાસમાએ દાવેદારી નોંધાવી છે. વાત કરીએ સુરેન્દ્રગરથી કલ્પના મકવાણાની તો તેઓ ચોટીલાનાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાનાં પિતરાઈ બહેન છે અને સુરેન્દ્રનગર જિલ્લાનાં કૉંગ્રેસનાં પ્રમુખ છે. તો રાજકોટનાં ઉર્વશી પટેલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનાં વૉર્ડ નંબર 12નાં કૉર્પોરેટર છે. 
 જુનાગઢનાં જલ્પા ચુડાસમા કૉંગ્રેસનાં MLA વિમલ ચુડાસમાનાં પત્ની છે અને તેઓ ચોરવાડ નગરપાલિકાનાં પ્રમુખ પણ છે. કચ્છથી દાવેદારી નોંધાવનારા કલ્પના પરમાર પાટણનાં છે.  અમરેલીથી ટિકિટની માંગણી કરનારા જેની ઠુમ્મર કોંગ્રેસનાં વિરજી ઠુમ્મરનાં દીકરી છે. દાહોદથી દાવેદારી નોંધાવનારા ચંદ્રિકા બારીયા હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય છે અને સતત 3 ટર્મથી વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર