હાર્દિક 2019ની લોકસભાની ચૂંટણી લડશે, કઈ બેઠક અને કયો પક્ષ તેના પર સસ્પેન્સ
બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:34 IST)
લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી રહે ત્યારે કોંગ્રેસે ગઇકાલે જ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોર કમિટીની રચના કરી દીધી છે. ત્યારે પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલ પણ લોકસભાની ચૂંટણી લડશે તેવી મીડિયા સાથે ઔપચારિક વાત કરી છે. આ મામલામાં હજી કોઇ અધિકૃત્ત જાહેરાત કરવામાં આવી નથી. થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પટેલ ગુજરાતની રાજનીતિમાં સક્રિચ ભાગ ભજવશે પરંતુ આજે તે વાતને સમર્થન મળી ગયું છે. ચર્ચા એવી પણ છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. તો બીજી તરફ પૂર્વ ખોડલધામ પ્રમુખ અને બિલ્ડર પરેશ ગજેરાનો એક ફોટો વાઇરલ થયો છે. જેમાં લખ્યું છે કે, 'ભાઈ આવે છે અમરેલીથી, નેકસ્ટ એમપી.' લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનાં પોસ્ટરો વાઇરલ થતાં સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ અંગે પરેશ ગજેરાને પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે, 'હાલ હું કોઇપણ ચૂંટણી લડવા ઇચ્છતો નથી. કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા દિલ્હીમાં હાઇકમાન્ડને મળીને ગઇકાલે પાછા આવ્યાં છે. તેમણે પણ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ લોકસભા ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું છે કે,' હાર્દિક ગુજરાતનો ઉભરતો નેતા છે તેને રાજકારણમાં જોડાવવું જોઇએ. મારી ઇચ્છા છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ લોકસભાની ચૂંટણી લડે.'જ્યારે બીજી તરફ પાસની કોર કમિટી પણ હાર્દિક પટેલ રાજનીતિમાં જોડાઇ જાય તેવી વિચારણા કરી રહ્યાં હતાં. અમારી ટીમ સાથેની વાતચીતમાં સુરતનાં પાસ કન્વીનર, ધાર્મિક માલવિયાએ હાર્દિક રાજકારણમાં જશે તેવા એધાંણ આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, 'ધણાં રાજકીય તજજ્ઞો અને ઘણાં પાટીદાર લોકોની લાગણી અને માંગણી છે કે હાર્દિકે પોતાનું એક રાજકીય વર્ચસ્વ ઉભું કરવું જોઇએ. રાજકીય ક્ષેત્રે આગળ વધી તેની કારકિર્દી આગળ વધારવી જોઇએ. જેથી ગુજરાતમાં સારી રાજનીતિની શરૂવાત થાય. આગામી સમયમાં અમારી કોર કમિટીની બેઠક મળશે તેમાં અમે આ અંગે વિતારીશું. હજી સુધી આ અંગે અમારી કોર કમિટીમાં કોઇ વિચારણા કરવામાં આવી નથી.'