બાળ વાર્તા- સોનાનું ઈંડુ આપતી મરઘી - અતિ લોભ તે પાપનું મૂળ છે (Gujarati kids story - લાલચનું ફળ )

સોમવાર, 27 માર્ચ 2017 (15:25 IST)
એક ગામમાં એક મજુર રહેતો હતો. તે મજુરી કરતો અને જેમતેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો. એક વખત તેને જંગલમાંથી ઘરે આવતા એક મરઘી દેખાઈ.  તેને જોઈને તેનું મન પ્રફુલ્લિત થઈ ગયુ. તેને મનમાં વિચાર્યુ કે આ મરઘી ઘરે લઈ જઈશ તો રોજ મને એક ઈંડુ ખાવા મળશે.  તે જેમતેમ કરીને મરઘીને ઘરે લઈ ગયો અને તેને એક ખૂણામાં તેનુ ઘર બનાવીને બેસાડી દીધી.

બીજે દિવસે સવારે મરઘી પાસે ગયો. જોયું તો મરઘીની સોડમાં એક ઈંડું પડ્યું હતું. પણ તે તો નક્કર અને સોનાનું હતું. એ જોઇને તો મજૂર આશ્ચર્યમાં પડી ગયો. તેની ખુશીનો પાર ન રહ્યો ! તેણે તો પોતાની જીંદગીમાં આવું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. તે ઈંડુ બજારમાં લઈ ગયો. તેને વેચતા તેને ઘણા બધા પૈસા મળ્યા.  તેણે જોઈતી બધી વસ્તુઓ ખરીદી લીધી. 
બીજે દિવસે પણ મરઘીએ આવું જ સોનાનું ઈંડું મુક્યું. અને તે પ્રમાણે દરરોજ એક એક સોનાનું ઈંડું મુકવા લાગી. મજૂરના  તો નસીબના દ્વાર ખુલી ગયા. તે આ સોનાના ઈંડા વેચીને ખુબ જ પૈસાદાર બની ગયો. તેની પત્ની પણ તેનાથી ખુબ જ ખુશ હતી.
 
એક દિવસ મજૂર એની મરઘીને રમાડતો હતો. એના મનમાં તરંગ ઉઠ્યો કે આ મરઘી દરરોજ એક એક ઈંડું આપે છે તો તેના પેટમાં કેટલા બધા ઈંડા હશે ! લોભને લીધે તેની બુદ્ધિ બગડી, તે ઉઠ્યો ઘરમાંથી એક છરી લઇ આવ્યો. મરઘીને તેણે પકડીને તેના પેટ પર ચીરો મુક્યો. એક સાથે બધા સોનાના ઈંડા મેળવવા તેણે મરઘીના પેટ પર ચીરો મુક્યો. ફાડીને જોયું તો કંઈ જ મળ્યું નહિ. બીચારી મરઘી કે જેણે તેને પૈસાદાર બનાવ્યો હતો તે જ મરી ગઈ.
પછી તેને સમજાયું કે તેણે બહુ મોટી ભૂલ કરી છે. તે ઘણું પસ્તાયો અને ખુબ જ રડ્યો. પરંતુ હવે રડવાથી કે પસ્તાવાથી શું મળે ? તેથી જ કહેવાય છે કે ‘અતિ લોભ તે પાપનું મૂળ છે.’
 

વેબદુનિયા પર વાંચો