સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે
બુધવાર, 26 માર્ચ 2025 (07:46 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. તેથી, ગ્રહણના દિવસે ઘણી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને આ સમય દરમિયાન ઘરની બહાર નીકળવાની મનાઈ છે. આવી સ્થિતિમાં, જો કોઈ બાળકનો જન્મ ગ્રહણના દિવસે થાય છે, તો તેનું ભવિષ્ય શું હશે અને ગ્રહણના દિવસે જન્મ લેવાથી તેના સ્વભાવ પર શું અસર પડશે, આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
સૂર્યગ્રહણ દરમિયાન જન્મેલા બાળકનું ભવિષ્ય અને સ્વભાવ
સૂર્યગ્રહણના દિવસે સૂર્યની શક્તિ ઓછી થઈ જાય છે. સૂર્યને આત્મા, પિતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, વિવેક, વિદ્વતા અને ખ્યાતિનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો સૂર્યગ્રહણના દિવસે બાળકનો જન્મ થાય છે, તો તેનામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવા બાળકને બાળપણમાં ઓછી સમસ્યાઓ હોઈ શકે છે પરંતુ તેને યુવાનીમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જોકે, સૂર્યની સાથે, કુંડળીમાં હાજર અન્ય ગ્રહોનું મૂલ્યાંકન કરવું પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો સૂર્ય નબળો હોય, તો પણ જો અન્ય ગ્રહો બળવાન હોય તો આવા લોકોને ચોક્કસપણે સારા પરિણામ મળે છે. જો સૂર્યગ્રહણના દિવસે જન્મેલા બાળકો પોતાની શક્તિથી વાકેફ થાય, તો તેઓ ચોક્કસપણે મોટી ઊંચાઈઓ સુધી પહોંચે છે. તેમના પારિવારિક જીવનમાં તેમના પિતા સાથે મતભેદ થઈ શકે છે. તે જ સમયે, તેમને કાર્યસ્થળ પર પોતાના વિચારો વ્યક્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે પૈસા સંબંધિત બાબતોમાં પણ સાવધાની રાખવી જોઈએ.
સૂર્યગ્રહણના દિવસે જન્મેલા લોકો સ્વાર્થી સ્વભાવના હોઈ શકે છે. તેઓ બીજા પર સરળતાથી વિશ્વાસ કરતા નથી. તેઓ ફક્ત એવા લોકો સાથે જ પોતાના વિચારો શેર કરે છે જેમના પર તેઓ સંપૂર્ણ વિશ્વાસ કરે છે. તેઓ વધુ ગુસ્સે થઈ શકે છે, પરંતુ તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં પાછળ રહે છે. માનસિક અને શારીરિક સમસ્યાઓથી બચવા માટે, તેમણે સૂર્ય દેવની પૂજા કરવી જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન જન્મેલા બાળકનું ભવિષ્ય અને સ્વભાવ
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રની શક્તિ ઓછી થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં, ચંદ્રને માતા, મન, શારીરિક તંદુરસ્તી, સંપત્તિ વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જો ચંદ્ર નબળો હોય તો વ્યક્તિ અત્યંત ભાવનાશીલ બની શકે છે. ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો પણ ખૂબ જ ભાવુક જોવા મળે છે.
ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકોને નાની નાની બાબતોમાં પણ ખોટું લાગતું હોય છે અને વધુ પડતા વિચારોને કારણે તેઓ ખુદને નુકસાન પણ પહોંચાડી શકે છે. ચંદ્રની નબળી સ્થિતિ તેમને શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જોકે, અન્ય ગ્રહોનો પણ તેમના જીવન પર પ્રભાવ હોય છે, જો કુંડળીમાં અન્ય ગ્રહો શુભ હોય તો ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા હોવા છતાં તેમના જીવનમાં ખુશીઓ આવી શકે છે. ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો સૌથી વધુ સહાનુભૂતિશીલ હોય છે. તેઓ મર્યાદિત સીમાઓમાં રહેવાનું પસંદ કરે છે. જેટલું ખરાબ તેમને બીજાઓને ખોટું બોલતા સાંભળીને લાગે છે, તેનાથી વધુ ખરાબ તેમને ત્યારે લાગે છે જ્યારે તેઓ કોઈના વિશે ખરાબ બોલી જાય છે.