હોળાષ્ટકનાં કારણે લગ્ન માટે ૧૬મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે

સોમવાર, 3 માર્ચ 2014 (12:11 IST)
P.R
તા. ૮મીથી હોળાષ્ટક બેસી જતાં હોવાથી શુભ કાર્યો આ સમયમાં થઇ શકશે નહિ. ત્યારબાદ મીનારક શરૂ થનાર છે આથી હવે હોળાષ્ટક બાદ નવા લગ્ન સમારંભો માટે ૧૬ મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે. આવતીકાલથી શરૂ થતાં માર્ચ માસમાં લગ્ન માટેના ત્રણ જ મુહૂર્તો તા.૨, ૪ અને ૭ ના છે.

આગામી ૮ મીથી માર્ચથી ૧૬ મી માર્ચ સુધી હોળાષ્ટક હોવાથી આ સમય દરમિયાન કોઇ જ શુભ કાર્ય થતું નથી. હોળાષ્ટકમાં જ એટલે કે તા.૧૪ મી માર્ચથી તા.૧૪ મી એપ્રિલ સુધી મીનારક ચાલશે. આ સમય પણ શુભ પ્રસંગો યોજવા માટે સારો ગણાતો નથી.૧૬ મી એપ્રિલ બાદ જ લગ્ન સમારંભો અને શુભ કાર્યો થઇ શકશે.

દરમિયાનમાં લોકસભાની ચૂંટણી પણ એપ્રિલના બીજા સપ્તાહથી મેના અંત સુધી યોજાનાર હોવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે ત્યારે એપ્રિલ માસમાં લગ્ન યોજનારાઓને પણ મ્યુનિ. કોર્પોરેશનના અતિથિગૃહો, વાડી, પાર્ટી પ્લોટ મેળવવા માટે ખાસ ચકાસણી કરવી પડશે. સામાન્ય રીતે શહેરમાં અતિથિ ગૃહોમાં ચૂંટણીના બંદોબસ્ત માટે આવતા અર્ધલશ્કરી દળોના જવાનોને રાખવામાં આવતા હોવાથી લગ્ન સમારંભો વખતના બુકિંગ માટે પણ ચકાસણી કરવી પડશે તેમ જણાવવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો