શરૂઆત સારી તો અંત સારો. કોઈપણ કામની શરૂઆત સારી હશે તો આપણુ કામ યોગ્ય રીતે પાર પડશે. તેથી ક્યારેય પણ ઘર બહાર નીકળતી વખતે કેટલીક પરંપરાગત વાતો પર ધ્યાન જરૂર આપવુ જોઈએ. જેવુ કે ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મુકવો.
આપણા ઘરના વડીલો વારેઘડીએ આપણને ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ ઘરની બહાર મુકવાનુ કહે છે. આ પરંપરા અનેક વર્ષોથી ચાલી રહી છે. ઘરમાંથી કોઈ મહત્વના કામ માટે બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ ઘરની બહાર કાઢવાથી તમને ચોક્કસ સફળતા મળશે. આ વાત પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે.
ઘર્મ શાસ્ત્ર મુજબ જમણો પગ પહેલા બહાર મુકવો શુભ માનવામાં આવે છે. બધા જ ધર્મોમાં જમણા અંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જમણા હાથ વડે કરવામાં આવેલ કામ શુભ માનવામાં આવે છે. દેવી દેવતા માટે પણ જમણા હાથથી કરવામાં આવેલ કાર્ય જ માન્ય ગણાય છે. ઈશ્વર સિવાય ક્યારેય કોઈ કામ પુર્ણ થઈ શકતુ નથી. તેથી બધા પ્રકારની પૂજા-અર્ચના જમણા હાથથી કરવામાં આવે છે. તેથી મહત્વના કામ માટે બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ બહાર મુકવો. આ શુભ શરૂઆત રહેશે. તેના કારણે શુભ ફળ ચોક્કસ મળશે.
જમણો પગ બહાર મુકવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને મન પ્રસન્ન રહે છે. પહેલા ડાબો પગ ઘરની બહાર મુકવાથી આપણા મનમા નકારાત્મક વિચાર આવે છે. આ સાથે જ ઘરમાંથી બહાર નીકળતી વખતે દહી-ખાંડ અવશ્ય ખાવુ જોઈએ અને વડીલોના કે માતા-પિતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ.