IPL 2025 ના નવા શેડ્યુલથી RCB ને થયુ સૌથી વધુ નુકશાન ? ટીમને સ્ટાર ખેલાડીઓની કમી વર્તાશે
મંગળવાર, 13 મે 2025 (16:06 IST)
BCCI IPL 2025 ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન 17 મેથી 6 સ્થળોએ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. ભારત-પાકિસ્તાન તણાવને કારણે 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ થયા બાદ IPL 2025 અટકાવી દેવામાં આવી હતી. હવે લગભગ 10 દિવસના અંતરાલ પછી ફરી સિઝન શરૂ થશે. IPLની 18મી સીઝનના નવા સમયપત્રક સાથે ઘણું બધું બદલાઈ ગયું છે. પહેલા ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ કોલકાતામાં રમાનારી હતી, પરંતુ હવે ટાઇટલ મેચ 3 જૂને રમાશે.
IPL 2025 ના સમયપત્રકમાં ફેરફારથી બાકીની મેચોમાં ઘણા વિદેશી ખેલાડીઓની ભાગીદારી અંગે શંકા ઉભી થઈ છે કારણ કે જ્યારે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે IPL બંધ કરવામાં આવી હતી, ત્યારે વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા હતા. હવે આમાંના મોટાભાગના ખેલાડીઓ માટે ભારત આવવું મુશ્કેલ લાગે છે.
RCB સામે મોટી સમસ્યા ઉભી થઈ
વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે 21 મેથી 3 મેચની ODI શ્રેણી રમાશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો ઈંગ્લેન્ડ પ્રવાસ 29 મેથી શરૂ થશે. તે જ સમયે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આવતા મહિનાની 11મી તારીખથી રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. આવી સ્થિતિમાં, જે વિદેશી ખેલાડીઓ WTC ફાઇનલ અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ આયર્લેન્ડ શ્રેણીનો ભાગ છે તેમના માટે બાકીની IPL મેચોમાં રમવું મુશ્કેલ લાગે છે.
જો વિદેશી ખેલાડીઓ IPLને બદલે પોતાની રાષ્ટ્રીય ટીમને પ્રાથમિકતા આપે તો RCBને સૌથી મોટું નુકસાન થઈ શકે છે. આરસીબી ટીમમાં આવા 6 વિદેશી ખેલાડીઓ છે, જે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેતા જોવા મળશે. આમાં જોશ હેઝલવુડ, લુંગી ન્ગીડી, રોમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, ફિલિપ સોલ્ટ અને લિયામ લિવિંગસ્ટોનનો સમાવેશ થાય છે.
જોશ હેઝલવુડ અને લુંગી એનગીડી WTC ફાઇનલ રમશે જ્યારે વેસ્ટ ઇન્ડીઝના રોમારિયો શેફર્ડ વેસ્ટ ઇન્ડીઝ માટે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ODI શ્રેણી રમશે. તે જ સમયે, ઇંગ્લેન્ડના જેકબ બેથેલ, ફિલિપ સોલ્ટ અને લિયામ લિવિંગસ્ટોન વેસ્ટ ઇન્ડીઝ સામેની ODI શ્રેણીમાં જોવા મળશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ ખેલાડીઓની સેવાઓ કેટલી મેચોમાં RCB ટીમને મળે છે.