આ વસ્તુઓ ફ્રિજમાં ન મૂકવી જોઇએ

બુધવાર, 21 ડિસેમ્બર 2016 (11:56 IST)
મોંઘવારીના આ જમાનામાં આપણને જથ્થાબંધ વસ્તુઓ ખરીદવાની આદત પડી ગઇ છે અને રસોડાની વસ્તુઓ પણ એમાં અપવાદ નથી. વધારે પ્રમાણમાં લાવેલ શાકભાજી કે અન્ય બગડી જાય એવી વસ્તુઓ આપણે ફ્રિજમાં સંઘરી રાખતા હોઇએ છીએ. પણ શું તમે જાણો છો કે ક્ઇ શાકભાજી કે વસ્તુઓ ફ્રિજમાં ન રાખવી જોઇએ?

એ જાણીને તમને કદાચ આશ્રર્ય થશે. એ વાત ખરી છે કે આ ખાદ્યપદાર્થો કે શાકભાજીઓ ફ્રિઝમાં રાખવાથી એનો સ્વાદ બદલાઇ જાય છે અને માટે એ બહાર જ રાખવી જોઇએ. આ સિવાય જો તમે આટલા પદાર્થો ફ્રિજમાં નહીં મૂકો તો તમારી એટલી જગ્યા બચશે અને અન્ય વસ્તુઓ મૂકી શકશો.

ટામેટા
ટામેટાને ફ્રિઝમાં રાખવાથી એનો સ્વાદ ફરી જાય છે. ઠંડી હવાને કારણે ટામેટાની અંદરના કોષોનું વિભાજન થાય છે. તો શું કરવું? ટામેટાને બાસ્કેટ અથવા તો કાચના બાઉલમાં કિચન કાઉન્ટર પર જ રાખવા જોઇએ.

તુલસી
તુલસીને ફ્રિઝમાં રાખવાથી એ આસપાસની અન્ય વાનગીઓની વાસ શોષી લે છે. તુલસીને રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એને એક કપમાં પાણીમાં રાખવાનો છે.

બટેટા
બટેટાને ફ્રિઝમાં રાખવાથી એમાની સ્ટાર્ચનું ખાંડમાં ખૂબ ઝડપથી રૂપાંતર થાય છે. બટેટાને કાગળની થેલીમાં ઘરમાં ઠંડી અને જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ રાખવા જોઇએ. પ્લાસ્ટીકની થેલી કરતાં કાગળની થેલીમાં બટેટાને હવા આસાનીથી મળી રહે છે અને એ રીતે જલદી બગડતા નથી.

લસણ
લસણને પણ ફ્રિઝને બદલે ઠંડી અને અંધારી જગ્યાએ રાખવા જોઇએ. ફ્રિઝમાં લસણમાં ફણગા ઉગવા માંડશે અને એ રીતે જલદી બગડી જશે.

ડુંગળી અથવા કાંદા

ડુંગળી અથવા કાંદાને ફ્રિઝમાં રાખવાથી એ નરમ થઇ જાય છે. ફ્રિઝને બદલે એને ઠંડી અને અંધારી જગ્યાએ રાખવા જોઇએ. હાં, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે કાંદા અને બટેટાને સાથે નહીં રાખતા. સાથે રાખવાથી એ જલદી બગડશે.

બ્રેડ
બ્રેડને ફ્રિઝમાં રાખવાથી એ બહુ જલદી સુકાઇ જશે. બ્રેડને કિચનના કાઉન્ટર પર જ રાખવા જોઇએ. જો તમે ફ્રિઝમાં બ્રેડ રાખતા હો તો એને સીલ્વર ફોઇલમાં વીંટાળીને મૂકજો કે જેથી એ સુકાઇ ન જાય. એને બહાર કાઢયા બાદ પણ સામાન્ય તાપમાન પર આવે ત્યાર બાદ જ ટોસ્ટ બનાવો કે ખાઓ.

મધ
મધને ફ્રિઝમાં રાખવાની જરૂર જ નથી. જો તમે મધને હવાચુસ્ત બરણીમાં રાખ્યું હોય તો એ મહિનાઓ સુધી બગડવાનું નથી પણ જો તમે એ ફ્રિઝમાં રાખશો તો એનું ક્રિસ્ટલમાં રૂપાંતર થઇ જશે.

લિંબુ, સંતરા અને મોસંબી
લિંબુ, સંતરા અને મોસંબીને સામાન્ય તાપમાનમાં કિચનમાં રાખવા જોઇએ. ફ્રિઝમાં રાખવાથી એની ગુણવત્તાને નુકસાન થાય છે. બહાર રાખો ત્યારે પણ એકબીજાને ચસોચસ ન રાખતા નહીં તો જલદી બગડી જશે.

અથાણાં અને સલાડ ડ્રેસિંગ્સ
અથાણા અને સલાડ ડ્રેસિંગ્સને ફ્રિઝમાં રાખવાની જરૂર જ નથી હોતી પરંતુ ઘણી મહિલાઓને એ ફ્રિઝમાં રાખવાની આદત હોય છે. જે વસ્તુમાં વિનેગર કે તેલ હોય એ લાંબા સમય સુધી બગડતી નથી અને ઉપરોક્ત બંને વસ્તુઓ લાંબા સમય સુધી વાપરી શકાય એ માટે બનાવાઇ હોય છે.

ટોમેટો કેચઅપ
ટોમેટો કેચઅપમાં પણ પ્રીઝર્વેટિવ્ઝ અને વિનેગર મોટા પ્રમાણમાં હોય છે માટે એને પણ ફ્રિઝમાં રાખવાની જરૂર નથી.

વેબદુનિયા પર વાંચો