જેનાં ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ આોછું જોવા મળે છે, તુલસીના અનેક ફાયદા

સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (09:45 IST)
ભારતીય પુરાણોનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં તુલસીના છોડ વિશે અનેક જાણકારી મળી રહે છે. હિંદુ ઘરોમાં આંગણામાં તુલસીનો છોડ રાખવામાં આવે છે. જેને કારણે દરેક ઘરમાં શુદ્ધ હવા મળી રહે છે. જે ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે. તે ઘરમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ આોછું જોવા મળે છે. મચ્છરોનો ત્રાસ પણ ઓછો જોવા મળે છે. યુરોપ સ્થિત કોન્કોર્ડીયા યુનિવર્સિટીમાં કામ કરતા પ્રો. શ્રીનિવાસ તીલકે લંડન ટાઈમ્સમાં ઘણા વર્ષો પહેલાં લખેલ પત્રમાં મુંબઈ સ્થિત ગ્રાન્ટ મેડિકલ કૉલેજના પ્રોફેસરે કહેલી એક અગત્યની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે વિક્ટોરિયા ગાર્ડન નવો નવો બનાવવામાં આવેલો તે સમયે માળી તરીકે અને રખેવાળી માટે ફરજ બજાવતા કર્મચારીઓ મચ્છરના ઉપદ્રવને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા. હિંદુ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ તેનો ઉપાય બતાવ્યો. બધા જ તેના ઉપાયથી રાજીરાજી થઈ ગયા. મેનેજરે જે બતાવ્યો તે જાણીને આપને પણ એક મહત્ત્વની જાણકારી મળશે. તેમણે મચ્છરના ઉપદ્રવના ઉપાયમાં ગાર્ડનની ચારેબાજુ બને તેટલા વધુ તુલસીના છોડ વાવવાની સલાહ આપી. થોડા સમયમાં મચ્છરોનાં ઉપદ્રવથી માળી સહિત બધા કર્મચારીઓને છુટકારો મળી ગયો. વારંવાર આવતો તાવ તો જાણે કે ગાયબ જ થઈ ગયો! તુલસી ભગવાન કૃષ્ણ અને


ભગવાન વિષ્ણુને પ્રિય ગણવામાં આવે છે. દેવોની પ્રિય તેવી તુલસી સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી ગણાય છે. તુલસીના કુલ ૧૦૮ નામ છે. જેમ કે નંદિની, ધાત્રી, ધારિણી અને વૃંદા વગેરે.. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ વૃંદાવનનું નામ વૃંદા એટલે કે તુલસીના છોડનું વન ઉપરથી પડ્યું છે. તુલસીને હિંદુઓ પવિત્ર છોડ ગણે છે. તેની પૂજા-આરતી સવાર સાંજ કરવામાં આવે છે. તુલસી બે પ્રકારની જોવા મળે છે. શ્યામ તુલસી (કાળી તુલસી) અને રામ તુલસી (આછી લીલી) તુલસી. ઉષ્ણકટિબંધ વિસ્તાર અને ગરમ પ્રદેશમાં તુલસીના છોડ ઝડપથી ઊગી નીકળે છે. શ્યામ તુલસી ઔષધીય ગુણોનો ખજાનો ધરાવે છે. જેમ કે શરદી, ત્વચા વિકાર, જીવાણું કરડી ગયું હોય, આંખની સંભાળ, શ્ર્વાસની દુર્ગંધ, જેવી સામાન્ય બીમારીથી બચી શકાય છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી તુલસીના અનેક ફાયદા છે.

સ્વાસ્થ્ય સુધારનાર અને દર્દને મટાડનાર

તુલસી અનેક ઔષધિય ગુણ ધરાવે છે. યાદશક્તિ વધારનાર ગણાય છે. શરદી સળેખમ અને કફ દૂર કરનાર ગણાય છે. શરીરમાં પરસેવો યોગ્ય પ્રમાણમાં થાય તે માટે તુલસી પાન ખાવા જરૂરી છે. તુલસીના પાનને ચાવીને ખાવાથી પેટના દર્દમાં રાહત મળે છે. તુલસીના બી ફેફસાંમાં ભરાઈ ગયેલ કફ કે ચીકણો પદાર્થ દૂર કરવામાં મદદ કરે છે.

તાવ અને શરદીમાં મદદરૂપ

વરસાદની મોસમમાં ટાઢ વાઈને તાવ આવે, મલેરિયા અને ડેન્ગ્યુના તાવમાં પણ તુલસીના પાનને ચામાં ઉકાળીને પીવાથી તાવમાં રાહત મળે છે. તાવ વધતો જતો હોય ત્યારે પણ તુલસીના પાનની સાથે એલચી પાઉડરને અડધા લિટર પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે.અસ્થમા કે શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તુલસીના પાનનો રસ દર બે-ત્રણ કલાકે પીવાથી રાહત મળે છે.

ઉધરસ કે ખાંસી

તુલસીના કુમળા પાન ચાવવાથી પણ ઉધરસ કે ખાંસીમાં રાહત મળે છે.

ગળામાં બળતરા કે ગળું સૂકાઈ જવું

તુલસીના પાન નાંખીને ઉકાળેલું પાણી નિયમિત દિવસમાં થોડા થોડા સમયે પીવાથી ગળાની બળતરા કે ગળું સૂકાઈ જવાની તકલીફમાં રાહત મળે છે. તુલસી નાંખીને ઉકાળેલું પાણીનાં કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.

શ્ર્વાસોશ્ર્વાસની તકલીફ

મધ, આદું અને તુલસીનો રસ લેવાથી રાહત મળે છે. તુલસી પાન, લવિંગ અને મરી નાંખીને તૈયાર કરેલ કાઢો પીવાથી પણ ઋતુના બદલાવને કારણે આવતા તાવ અને શ્ર્વાસની તકલીફમાં રાહત મળે છે. કાઢો બનાવવા ઉપરોક્ત સામગ્રી એક લિટર પાણીમાં નાંખીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવાથી કાઢો તૈયાર થાય છે.

કિડનીમાં સ્ટોન

તુલસીનો ઉપયોગ કરવાથી કિડનીની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. કિડનીમાં સ્ટોનની તકલીફ હોય તે સમયે તુલસીના પાનનો રસ મધ સાથે નિયમિત છ માસ સુધી લેવાથી પેશાબ વાટે સ્ટોન નીકળી જાય છે. દર્દમાં રાહત મળે છે.

હૃદયની બીમારી

લોહીમાં કોલૅસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય, હૃદયમાં દુખાવો કે બીમારીનો ભય લાગતો હોય તેવા સમયે તુલસીના કૂણાં પાનને સવારના સમયે બરાબર ચાવીને ખાવું સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

બાળરોગમાં રાહત

બાળકોને થતાં સામાન્ય બાળરોગ જેવા કે શરદી, તાવ, ઝાડા અને ઊલટીમાં તુલસીનો રસ આપવાથી રાહત મળે છે.

માનસિક અશાંતિ

તુલસીમાં તણાવને દૂર કરવાની શક્તિ જોવા મળે છે. દિવસમાં બે વખત રોજના ૧૨ તુલસીના પાન ચાવીને ખાવાથી માનસિક તાણ કે અશાંતિમાં ફાયદો થાય છે.

મોઢાની દૂર્ગંધ

મોઢાની સફાઈ કર્યા બાદ પણ મોઢામાંથી દૂર્ગંધ મારતી હોય તો તુલસી પાન ચાવીને ખાવા જોઈએ. મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ધરાવતા લોકોએ પણ તુલસીના પાનનું સેવન કરવાથી ફાયદાકારક છે.

જીવાત કરડવી

મચ્છર કે કોઈ જીવાણું કરડી જવાથી ચકામા થઈ ગયા હોય કે બળતરા થતી હોય તો તુલસીના પાનનો રસ લગાવવાથી અને તાજા રસને થોડા થોડા સમયને અંતરે પીવાથી રાહત મળે છે. તુલસીના છોડના મૂળિયાની પેસ્ટ બનાવીને લીચ કે જીવાત કરડી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.

ચામડીમાં વિકાર

રીંગવોર્મ કે કોઢની બીમારીમાં પણ તુલસીનો રસ લગાવવાથી રાહત મળે છે.

દાંતમાં દુખાવો

તુલસીના પાનને સૂકવીને દાંત ઉપર ઘસવાથી દુખાવામાં રાહત મળે છે. સરસવના તેલમાં તુલસીનો પાઉડર ભેળવીને દાંત ઉપર ઘસવાથી દુખાવો દૂર કરી, પેઢાંને મજબૂત બનાવે છે.

માથાનો દુખાવો

તુલસીના પાનનો રસ કે તુલસના પાનને ચાવીને ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તુલસી પાનના રસની અંદર ચંદનનો પાઉડર ભેળવીને કપાળ ઉપર લગાવવાથી ગરમીને કારણે થતા દુખાવામાં રાહત મળે છે.

આંખમાં દુખાવો કે ઝાંખપ

આંખ આવી હોય કે રાત્રે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓના શરીરમાં ‘વિટામિન એ’ની ઊણપ જોવા મળે છે. સૂવાના સમયે આંખમાં શ્યામ તુલસી રસનાં બે ટીપાં નાંખવાથી રાહત મળે છે.

તુલસી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તેમ છતાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લીધા બાદ સારવાર કરવી આવશ્યક છે. તુલસીનો ઉપયોગ બીજા પર્યાય તરીકે કરવો અવશ્ય શ્રેયસ્કર છે.

વેબદુનિયા પર વાંચો