શાસ્ત્રો મુજબ ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી હોલિકા દહન સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 10-17 માર્ચ સુધી છે. ધાર્મિક માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમિયાન લગ્ન-વિવાહ, મુંડન સંસ્કાર, ગૃહ પ્રવેશ, ભવન નિર્માણ અને નવો વ્યવસાય વગેરે માંગલિક કાર્ય વર્જિત હોય છે. કોઈપણ પ્રકારના હવન, યજ્ઞ કર્મ પણ આ દિવસો દરમિયાન નથી કરવામા આવતુ. આ ઉપરાંત નવ વિવાહિતોને આ દિવસો દરમિયાન પિયર રહેવાની સલાહ આપવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો પર રોક હોવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને કારણ માનવામાં આવે છે.
પૌરાણિક કથા - પૌરાણિક કથા મુજબ કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી. જેથી નારાજ થઈને તેમણે પ્રેમના દેવતાને ફાગણની અષ્ટમી તિથિના દિવસે ભસ્મ કરી નાખ્યા હતા. ત્યારબાદ કામદેવની પત્ની રતિએ શિવની આરાધના કરી અને કામદેવને પુર્નજીવિત કરવાની વિનંતી કરી, જે તેમણે સ્વીકારી લીધી. ભગવાન શિવના આ નિર્ણયને ભક્તોએ ધૂમધામથી ઉજવ્યો. આ કારણે 8 દિવસ શુભ કાર્ય વર્જિત હોય છે.
જ્યોતિષિય કારણ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ અષ્ટમીના રોજ ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીના રોજ શુક્ર, દ્વાદશીના રોજ ગુરૂ, ત્રયોદશીના રોજ બુધ, ચતુર્દશીના રોજ મંગળ અને પૂર્ણ્ણિમાના રોજ રાહુ ઉગ્ર સ્વભાવના થાય છે. ગ્રહ નક્ષત્રના કમજોર થવાને કારણે આ દરમિયાન જાતકની નિર્ણય ક્ષમતા ઓછી થઈ જાય છે. જેનાથી ખોટા નિર્ણયથી નુકશાન શક્ય રહે છે.