એલચી

રવિવાર, 3 જૂન 2007 (08:54 IST)
પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્‍થાને બિરાજમાન છે. અને તે કારણે એલચી નો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્‍વરૂપમાં થાય છે. મુખવાસમાં, પાન મસાલા, શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્‍વરૂપમાં થાય છે.

એલચીનો ઉપયોગ ફક્ત સુગંધીદાર હોવાથી નથી થતો પરંતુ આયુર્વેદ પ્રમાણે તેમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. માટે આપણે જોઇએ એલચીમાં ક્યા-ક્યા ગુણો સમાયેલા છે અને ઔષધીના રૂપમાં તેનો ઉપયોગ કઇ રીતે કરી શકાય છે.

એલચીના ગુણધર્મો -
એલચી બે પ્રકારની મળે છે, નાની અને મોટી. આયુર્વેદ પ્રમાણે બંને પ્રકારની એલચીનો ઉપયોગ વિવિધ પ્રકારે ઔષધીના રૂપમાં લઇ શકાય છે. નાની એલચીનો સ્‍વાદ તીખો, પ્રકૃતિ ઠંડી, પચવામાં હળવી, વાયુ અને કફ નાશક, અને દમ-શ્વાસરોગ, ઉધરસ, મસા અને મૂત્ર સંબંધી તકલીફોને દૂરકરનાર છે.

મોટી એલચી સ્વાદમાં તીખી, ગરમ પ્રકૃતિ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પચવામાં હળવી, કફ, પિત્ત, લોહીના વિકારો, ખંજવાળ, ઊબકા-ઊલટી, મૂત્રાશયના રોગ, મુખના રોગ, શિરના રોગ અને ઉધરસને મટાડે છે.

બંને પ્રકારની એલચી ગુણોમાં સરખી હોવાં છતાં નાની એલચી વધુ સુગંધીદાર અને ગુણમાં કંઈક અંશે વધારે શ્રેષ્‍ઠ છે. માટે તેનો ઉપયોગ આયુર્વેદમાં સવિશેષ થાય છે.

ઉપયોગો
- જેમની પ્રકૃતિ વાયુની હોય તેમને ઘણી વખત વાયુની તકલીફ રહે છે. વાયુ થતા પેટમાં અસહ્ય દુખાવો થાય છે અને આફરો ચડ્યો હોય તેવું લાગે છે. આ સમયે એલચીના ચૂર્ણમાં લીંબુનો રસ અને ચપટી હિંગને મિક્સ કરી ચાટી જવું જેનાથી વાયુનું શાંત થાય છે અને રાહત મળે છે.

- જેમની પ્રકૃતિ અગ્નિતત્વની હોય તેમણે એલચી ચૂર્ણ અને આમળા ચૂર્ણ સરખે ભાગે લઇ મેળવીને એક-બે ચમચી રાત્રે લેવાથી શરીરની, મૂત્રમાર્ગની અને હાથપગના તળીયાની બળતરામાં રાહત મળે છે.

- એલચીના દાણાનું ચૂર્ણ અથવા એલચીના તેલના ચાર-પાંચ ટીપાં દાડમનાં શરબતમાં લેવાથી ઉબકા-ઊલટીમાં રાહત થાય છે.

- જેમને મુખમાંથી દૂર્ગંધ આવતી હોય તેમણે એલચીના દાણા મુખમાં રાખવાથી ફાયદો જણાય છે.

- પાન-મસાલા-તમ્‍બાકુના વ્‍યસનથી મુક્ત થવું હોય ત્‍યારે તેની જગ્યાએ એલચીના દાણા મુખમાં રાખવા જોઇએ.

- ઉનાળામાં ગરમીથી બચવા એલચી, વળીયારી અને સાકરને પલાળી તેનો સરબત બનાવી પીવાથી શરીરમાં ઠંડક રહે છે.

- એલચી, સૂંઠ અને સંચળનું ચૂર્ણ સમ-ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટી જવાથી જુના કફમાં ઘણી રાહત આપે છે. (ઠંડી વસ્‍તુ, મીઠાઇ અને ચીકણા પદાર્થ બંધ કરવા)

- એલચી અને પીપરીમૂળને સમ ભાગે લઇ ચૂર્ણ કરી ઘી સાથે લેવાથી હૃદયની તકલીફમાં રાહત મળે છે.

- ગળુ બેસી ગયું હોય ત્‍યારે એલચી અને જેઠીમઘ ને સમભાગે ભેગા કરી મધ સાથે લેવાથી રાહત મળે છે.

વેબદુનિયા પર વાંચો