આરોગ્ય અને આયુર્વેદ : યાદ શક્તિ વધારવાનો અક્સીર ઈલાજ - બ્રાહ્મી

P.R
આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ પાન આપે છે. પાન અખંડ, ગોળ જેવા ૧-૨ થી દોઢ ઈંચ લાંબા-પહોળાં, ૭ જેટલા થાય છે. તેનાં મૂળ દોરા જેવા પાતળા હોય છે. ગુજરાતમાં વડોદરા, સુરત, નવસારી, મરોલીમાં બ્રાહ્મી વધુ પ્રમાણમાં થાય છે. યાદશક્તિ વર્ધક તથા માનસિક રોગોનો અનેક દવામાં બ્રાહ્મી ખાસ વપરાય છે.

ગુણધર્મો :
બ્રાહ્મી સ્વાદે તૂરી-કડવી, સ્વાદુ; પચવામાં હળવી, ગુણે ઠંડી, સારક, મૂત્રલ, કંઠ સુધારક; બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા, અગ્નિ અને આયુષ્યત વધારનારી; યાદશક્તિવર્ધક, રક્તશોધક રસાયન, હ્રદય માટે હિતકર અને માનસિક દર્દો મટાડનાર છે. તે પ્રમેહ, વિષ, કોઢ, પાંડુ, ઉધરસ, તાવ, સોજો, ચળ, વાતરક્ત (ગાઉટ), પિત્તદોષ, અરૂચિ, દમ, શોષ, વાયુ તથા કફદોષ નાશક છે. બ્રાહ્મી સમગ્ર શરીરના બધા અંગોને બળવાન કરે છે. બ્રહ્મ (ઈશ્વર)ને પ્રાપ્તછ કરવામાં (સાત્વિક ગુણ વધારીને) બ્રાહ્મી ઉત્તમ ગણાય છે. તે વાઈ, હિસ્ટોરિયા, ગાંડપણ, મંદબુદ્ધિ, મંદ સ્મૃતિ વગેરે દર્દોમાં તે ખાસ લાભ કરે છે.

ઔષધિ પ્રયોગ :

(૧) ગાંડપણ - માનસિક ઉશ્કેરાટ - અતિ ક્રોધ : બ્રાહ્મીનાં પાનના ૨૦ ગ્રામ રસમાં કોળાને ૨૫ ગ્રામ રસ ઉમેરી, તેમાં સાકર કે મધ નાંખી રોજ પીવું.
(૨) વાઈ-ફેફરું (એપિ‍લેપ્સીક) : બ્રાહ્મીનાં પાનનો રસ મધમાં કે દૂધમાં પીવો. અથવા બ્રાહ્મી સીરપ પીવું.
(૩) સ્વરભંગ તથા કફ-શરદીથી મંદબુદ્ધિ કે મગજશક્તિની ખામી : બ્રાહ્મી, ઘોડાવજ, હરડે, અરડૂસીનાં પાન અને લીંડીપીપરથી બનતું ‘સારસ્વત ચૂર્ણ‘ ૩ થી ૫ ગ્રામ જેટલું રોજ સવાર - સાંજ મધમાં આપવું.
(૪) શક્તિ, આયુષ્યર, બળ અને આરોગ્ય રક્ષા વૃદ્ધિ માટે : ‘બ્રાહ્મી કલ્પ‘ નામની રસાયન વિધિ વૈદ્યના માર્ગદર્શન નીચે કરવી.
(૫) પિત્ત (ગરમી)નું ગાંડપણ : બ્રાહ્મી-પાન, બદામ, દૂધીનાં મીંજ, તરબૂચનાં બી (મીંજ) ટેટીનાં મીંજ અને કાકડીનાં બીનાં મીંજ ૫૦-૫૦ ગ્રામ તથા કાળા મરીનું ૧૦ ગ્રામ ચૂર્ણ કરી, સમભાગે સાકર મેળવી, રોજ સવાર - સાંજ દૂધમાં પીવું. અથવા સીરપ ‘બ્રાહ્મી કંપાઉન્ડ‘ નામની તૈયાર દવા લાવી વાપરવી. અથવા બ્રાહ્મી ધૃત લાવી દૂધમાં રોજ લેવું.
(૬) અનિદ્રા : બ્રાહ્મી, શંખાવળી, ગંઠોડા અને જટામાંસીનું ચૂર્ણ રોજ રાતે ગરમ-મીઠા દૂધમાં ૫ ગ્રામ જેટલું પીવું.
(૭) હાઈ બ્લડપ્રેશર : બ્રાહ્મી, અર્જુનછાલ, સર્પગંધા, ગળો, આમળા અને આંસોદ સમભાગે લઈ ચૂર્ણ બનાવી, સવાર-સાંજ ૫ ગ્રામ દવા દૂધમાં લેવાથી ઉંચુ બ્લડપ્રેશર તથા હ્રદયના વધુ ધબકારા, સ્વભાવનું ચિડીયાપણું સામાન્ય થશે.

વેબદુનિયા પર વાંચો