ઓસ્કર રેસમાં પહોંચેલી ગુજરાતી એડલ્ટ ફિલ્મ 'ધ ગુડ રોડ' ફિલ્મ વિશે જાણવા જેવુ
P.R
આ વર્ષે મે મહિનામાં જાહેર થયેલા નૅશનલ અવૉર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો અવૉર્ડ મેળવનારી અને જુલાઈમાં રિલીઝ થયા બાદ માત્ર એક જ અઠવાડિયામાં થિયેટરો અને મલ્ટિપ્લેક્સોમાંથી દર્શકોના મોળા પ્રતિસાદને કારણે ઉતારી લેવામાં આવેલી નૉન-ગુજરાતી ડિરેક્ટર જ્ઞાન કોરિયાની ફિલ્મ ‘ધ ગુડ રોડ’ની પસંદગી ગઈ કાલે ૨૦૧૩ના ઑસ્કર અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ ફૉરેન ફિલ્મ કૅટેગરીમાં મોકલવા માટે કરવામાં આવી હતી. આમ ૮૦ વર્ષના ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર એક ગુજરાતી ફિલ્મ ઑસ્કર અવૉડ્ર્સનમાં ફૉરેન ફિલ્મ કૅટેગરીમાં ભાગ લેવા જઈ રહી છે.
આ રેસમાં સૌથી ફ્રન્ટ-રનર એવી શુક્રવારે રિલીઝ થયેલી ‘ધ લંચબૉક્સ’, ફરહાન અખ્તરના સુંદર અભિનયવાળી ‘ભાગ મિલ્ખા ભાગ’, કમલ હાસનની વિવાદાસ્પદ ‘વિશ્વરૂપમ’, શ્રીદેવીના સુંદર અભિનયથી સુપરહિટ બનેલી ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘શિપ ઑફ થિસીઅસ’, બંગાળી ફિલ્મ ‘શબ્દો’ અને મલયાલમ ફિલ્મ ‘સેલ્યુલૉઇડ’ સહિત કુલ બાવીસ ફિલ્મોને પછાડીને આ ફિલ્મની પસંદગી કરવામાં આવતાં ઘણાને આશ્ચર્યનો આંચકો લાગ્યો છે. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને સ્ક્રીન-પ્લે ડિરેક્ટર જ્ઞાન કોરીયાએ પોતે લખ્યાં હતાં. આ ફિલ્મ માત્ર અઢી કરોડ રૂપિયાના બજેટમાં બની છે. એના મ્યુઝિક-ડિરેક્ટર રજત ધોળકિયા હતા. અગાઉ ‘સ્લમડૉગ મિલ્યનેર’ માટે ઑસ્કર મેળવી ચૂકેલા સાઉન્ડ-એન્જિનિયર રેસૂલ પુકુટ્ટીએ સાઉન્ડ-ડિઝાઇન કર્યું હતું.
ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ જાણીતા ફિલ્મનિર્માતા ગૌતમ ઘોષના અધ્યક્ષપદ હેઠળ નિયુક્ત કરેલી ૧૯ મેમ્બરોની સિલેક્શન કમિટીએ ગઈ કાલે પાંચ કલાકની ચર્ચાના અંતે ‘ધ ગુડ રોડ’ની પસંદગી કરી હતી. સિલેક્શન કમિટીનું માનવું છે કે ભારતને અન્ય ફિલ્મોમાં સારી રીતે દર્શાવવામાં આવતું નથી, પણ આ ફિલ્મમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ગૌતમ ઘોષે કહ્યું હતું કે ‘અમે આ વન્ડરફુલ ગુજરાતી ફિલ્મની પસંદગી કરી છે. આ ફિલ્મ જોઈને અમને પણ સરપ્રાઇઝ થયું હતું. ‘ધ લંચબૉક્સ’ એક સિમ્પલ લવસ્ટોરી ધરાવતી ફિલ્મ છે જેમાં બે અજાણ્યા લોકો લંચબૉક્સ મારફત નોટ્સ મોકલે છે. એમાં ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીનો અભિનય સારો છે, પણ અમારો વોટ તો ‘ધ ગુડ રોડ’ને મળ્યો હતો અને એ સર્વાનુમતે લેવામાં આવેલો નિર્ણય હતો.’
આગળ જાણો શું છે સ્ટોરી?
P.R
જાણો શું છે સ્ટોરી?
નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશને બનાવેલી આ ફિલ્મ ત્રણ પાત્રોની પૅરૅલલ સ્ટોરી રજૂ કરે છે અને તેઓ એકબીજા સાથે કોઈ રીતે રિલેટ થતાં નથી. પપ્પુ (શામજી કેરસિયા) ટ્રક-ડ્રાઇવર છે અને માંડ-માંડ તેના પરિવાર માટે રોજીરોટી રળે છે. ઍક્સિડન્ટમાં ટ્રક-ડ્રાઇવર જાન ગુમાવે તો સારું વળતર મળે છે એવી જાણ થતાં તે ખોટેખોટો ઍક્સિડન્ટ કરીને પોતાને મારી નાખવા માગે છે જેથી તેના પરિવારને વીમા-કંપની પાસેથી મોટી રકમનું વળતર મળી શકે. કિરણ (સોનાલી કુલકર્ણી) અને ડેવિડ (અજય ગેહી) કારમાં જઈ રહ્યાં છે અને હાઇવે પર એક ઢાબા પર ડેવિડ સિગારેટ લેવા ઊતરે છે ત્યારે તેમનો આઠ વર્ષનો પુત્ર આદિત્ય (કેવલ કાત્રોદિયા) અચાનક કારમાંથી ઊતરીને ખોવાઈને પપ્પુની ટ્રકમાં ચડી જાય છે. ડેવિડ અને કિરણ તેને આખી રાત અને દિવસ શોધે છે. પૂનમ (પૂનમ રાજપૂત) નામની નાની છોકરી તેની દાદીના ઘરે જવા નીકળી હોય છે અને તે બસ ચૂકી જતાં હાઇવે પર એક એવી જગ્યાએ પહોંચી જાય છે જે દેહવ્યાપાર કરતી મહિલાઓનો અડ્ડો હોય છે. આમ એક જ હાઇવે પર ત્રણ પાત્રોને નજરમાં રાખીને લખવામાં આવેલી સ્ટોરીમાં આ હાઇવે તેમને માટે સારો પુરવાર થાય છે.
P.R
કચ્છનું સુંદર ચિત્રણ
આ ફિલ્મમાં કચ્છનું સુંદર રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બન્નીના રણનાં દૃશ્યો ઝીલવામાં આવ્યાં છે. મોટા ભાગનું શૂટિંગ કચ્છના ભિરાંદિયાર ગામ પાસે કરવામાં આવ્યું છે.
ચમકારા
€ ૧૯૯૩માં ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા અભિનીત અને પન્નાલાલ પટેલની વાર્તા પરથી બનાવવામાં આવેલી ફિલ્મ ‘માનવીની ભવાઈ’ને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો અને એનાં ૨૦ વર્ષ બાદ આ ગુજરાતી ફિલ્મને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.
€ આ ગુજરાતી ફિલ્મમાં અંગ્રેજીમાં સબ-ટાઇટલ્સ આપવામાં આવ્યાં હતાં.
€ ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થઈ હતી અને એને મોળો પ્રતિસાદ મળ્યો હતો. એ વખતે મોટા ભાગનાં થિયેટરોમાં કાગડા ઊડતા હતા. અનેક શો કૅન્સલ કરવા પડ્યા હતા અને ફિલ્મ એક અઠવાડિયું પણ નહોતી ચાલી.
મુંબઈમાં વિરોધ
આ ફિલ્મમાં ટીનેજ છોકરીઓને પ્રોસ્ટિટ્યુટ તરીકે દર્શાવવામાં આવી હતી અને જ્યારે આ ફિલ્મ મુંબઈમાં રિલીઝ થઈ ત્યારે કચ્છના લોકોએ એનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ રીતે ટીનેજ છોકરીઓ કચ્છમાં પ્રોસ્ટિટ્યુટ નથી હોતી. આ ફિલ્મના આવા ઘણા સીન મુખ્ય સ્ટોરીલાઇન સાથે મેળ ખાતા નહોતા એને દૂર કરવા જોઈતા હતા.
અશ્લીલ સંવાદોને કારણે ઍડલ્ટ ફિલ્મ
આ કદાચ પહેલી ઍડલ્ટ ગુજરાતી ફિલ્મ હતી. જોકે એમાં સેક્સ જેવું કાંઈ જ નહોતું પણ એનાં વિવિધ પાત્રો દ્વારા બોલવામાં આવતી ભાષા અશ્લીલ હતી. વાર્તા આઠ વર્ષના આદિત્ય નામના બાળકની આસપાસ ફરે છે, પણ એમાં એક ડઝનથી વધુ ટીનેજ છોકરીઓને પ્રોસ્ટિટ્યુટ દર્શાવવામાં આવી છે અને તેમને ખૂબ જ ગંદી ભાષામાં વાતચીત કરતી દર્શાવાઈ છે.