ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર બોલિવૂડના હિન્દી કલાકારોને લઇને ગુજરાતી ફિલ્મ બની

બુધવાર, 11 મે 2016 (15:50 IST)
સિદ્ધાર્થ ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટોચનું સ્થાન અપાવવા કમર કસી લીધી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર બોલિવૂડના હિન્દી કલાકારોને લઇને ગુજરાતી ફિલ્મ બની. આ સપનું ડિરેક્ટર સિદ્ધાર્થે જોયું અને રોમિયો એન્ડ રાધિકા નામની ફિલ્મ  બનાવીને પૂર્ણ પણ કર્યું.

સિદ્ધાર્થ પોતે એક સારો એક્ટર પણ છે. ડિરેક્ટર તરીકે આ સિદ્ધાર્થની પહેલી ફિલ્મ છે. તેણે બોલિવૂડના કલાકારોને લઇને ગુજરાતી ફિલ્મ બનાવવાનું સપનું જોયું અને પાંચ વર્ષ બાદ તેને સાકાર પણ કર્યું. રોમિયો એન્ડ રાધિકા ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શહેરની જાણીતી મોડલ વિધિ પરીખ અને અભિનેતા તરીકે તુષાર સાધુ છે. આ ઉપરાંત બોલિવૂડમાં કામ કરી રહેલા જાણીતા કલાકારો મુસ્તાક ખાન, જાવેદ હૈદર, રાજ પ્રેમજી અને શાહબાઝ ખાન પણ છે. આ અંગે વાત કરતાં સિદ્ધાર્થ કહે છે કે મારા માઇન્ડમાં ખૂબ સુંદર સ્ટોરી હતી. સ્ટોરી લખાતી ગઇ અને મારા મગજમાં વિચાર આવ્યો કે આ ફિલ્મમાં બોલિવૂડના કલાકારોને કેમ ન લેવા તેના પર કામ ચાલુ કર્યું. અંતે તે પ્રયત્ન સફળતામાં પરિણમ્યો.

આપણે હમણાંથી સારી ચાલી રહેલી ગુજરાતી ફિલ્મોને અર્બન ગુજરાતી ફિલ્મોનો ટેગ લગાવી દીધો છે. સિદ્ધાર્થ આ અંગે વાત કરતાં કહે છે કે હું માનું છું કે અર્બન ગુજરાતી કે રૂરલ ગુજરાતી જેવું કંઇ જ હોતું નથી. સમયની સાથે ટેક્નોલોજી બદલાતી ગઇ અને વધુ સારી ટેકનોલોજીના ઉપયોગ સાથે વધુ સારી ફિલ્મો બનતી ગઇ. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારો સ્કોપ છે. આપણી પાસે ઘણું સાહિત્ય અને સંસ્કૃતિ છે. ફિલ્મોના માધ્યમથી લોકોને તે બતાવવાની જરૂર છે. રોમિયો એન્ડ રાધિકા એક મેસેજ આપતી રોમાન્સ, ફ્રેન્ડશિપ અને સસ્પેન્સ ધરાવતી એક રોમાંચક ફિલ્મ છે. ફિલ્મનું બજેટ અઢી કરોડ રૂપિયા છે.
ગુજરાતી ફિલ્મોને હાલમાં સારી સબસિડી મળી રહી છે ત્યારે કેટલાક લોકો આ આશામાં પણ ફિલ્મ બનાવી દે છે. સિદ્ધાર્થ આ વાતનો સખત વિરોધ કરે છે. તે કહે છે કે સબસિડીને ધ્યાનમાં રાખીને ફિલ્મો ન બનવી જોઇએ. જ્યારે સબસિડી નહોતી મળતી ત્યારે પણ ગુજરાતમાં સારી ફિલ્મો બનેલી જ છે. 

વેબદુનિયા પર વાંચો