દોઢ દાયકા બાદ અરૂણા ઈરાની '' કંઈક કરને યાર'' ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરશે
બુધવાર, 5 ઑક્ટોબર 2016 (15:23 IST)
૧૯૬૫ થી ૧૯૯૦નો કાળ ગુજરાતી ફિલ્મોનો સૂવર્ણ કાળ હતો. આ સમયમાં આશા પારેખ, દિના પાઠક, રીટા ભાદુરી, અરૂણા ઈરાની, રાગીણી જેવી અનેક અભિનેત્રીઓએ પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. ખાસ કરીને જોઈએ તો તેમાં અરૂણા ઈરાણી, અરવિંદ ત્રિવેદી અને કિરણ કુમારની જોડી ખૂબ જામતી હતી. અરૂણા ઈરાનીનો અભિનય દર્શકોને ફિલ્મ જોવા માટે પકડી રાખતો હતો. એ કાળ 1990 બાદ જાણે ખોવાઈ ગયો હતો, કારણ કે આ ઉમદા કલાકારો આખરે કામની શોઘમાં મુંબઈ ગયા અને મોટા પડદે કામ કરવા લાગ્યાં, આજે ફરીવાર એક એવી અભિનેત્રી જેણે ગુજરાતી સિનેમાને પોતાના અભિનયથી જીવતું રાખ્યું છે તે અરૂણા ઈરાની આશરે દોઢ દાયકા બાદ ફરીવાર ગુજરાતી ફિલ્મમાં ટીકુ તલસાણીયાની સાથે જોડી જમાવશે અને તેમનો અભિનય દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ક્રિયા પિક્ચર્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ફિલ્મ કંઈક કરને યાર આ ફિલ્મમાં અરૂણા ઈરાની અને ટીતુ તલસાણીયાની જોડી ફરીવાર જોવા મળશે
બોલિવૂડમાં ટી સિરીઝ એક એવી કંપની છે જેનું નામ આજે દરેકના મોઢે ચર્ચાતું રહે છે. ત્યારે આ કંપની પણ કંઈક કરને યાર ફિલ્મથી પ્રાદેશિક ફિલ્મોમાં પ્રવેશ કરી રહી છે. છેલ્લા સમયમાં આ કંપની દ્વારા આશિકી, તેરા સુરુર, હેટ સ્ટોરી 3, સનમરે. કિક જેવી ફિલ્મમાં આ કંપની પોતાનું પ્રદાન આપી ચુકી છે. જ્યારે કિ એન્ડ કા, ઢીશૂમ, કીસ કીસ કો પ્યાર કરૂ.જઝબા, સિંગ ઈઝ બ્લિંગ જેવી ફિલ્મોનું બોલિવૂડમાં સફળતા પૂર્વક માર્કેટિંગ કર્યાં બાદ હવે ટ્રીગર મેક્સ પણ માર્કેટિંગ ડાયરેક્ટર તરીકે પ્રથમ વાર કોઈ પ્રાદેશિક ફિલ્મને પ્રમોટ કરશે. તે ઉપરાંત બાહુબલી, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, દિલ ધડકને દો જેવી ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન સંભાળનાર અનિલ થડાનીની કંપની હવે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવા માટે તત્પર થઈ રહી છે. કંઈક કરને યાર ફિલ્મ કબિર ધનસુખ જાની દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ 11મી નવેમ્બરના રોજ સિનેમાગૃહોમાં રિલીઝ કરવામાં આવશે.