અર્બન ગુજરાતી ફિલ્મો બની પણ મલ્ટિપ્લેકસની મનમાનીથી અર્નિંગ ના કરી શકી.
ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (17:26 IST)
ગુજરાતી ફિલ્મોનું માર્કેટ નોટબંધી પહેલા ધમધમી રહ્યું હતું. એક પછી એક ફિલ્મ સિનેમામાં રિલીઝ થતી હતી. 8મી નવેમ્બર બાદ આ ફિલ્મોના માર્કેટમાં એકદમ મંદી પ્રસરી ગઈ અને જાણે કોઈ ફિલ્મ હવે નહીં રિલીઝ થાય એવો માહોલ સર્જાયો. એવામાં એકાદ બે ફિલ્મો રિલીઝ થઈ અને લોકોએ સિનેમામાં જઈને જોઈ પણ ખરી. હાલની પરિસ્થિતી અનુસાર જોઈએ તો ગુજરાતી ફિલ્મો અર્બન છે પણ અર્નિંગ નહીં, એવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. એકાદ બે કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મો કેટલું કમાય છે એતો બોક્સઓફિસનાં આંકડાઓ જાણે, પરંતું પ્રોડ્યુસરો કંઈક જુદુ જ કહી રહ્યાં છે. પ્રોડ્યુસરોના મતે ગુજરાતી ફિલ્મો ના ચાલવાનું કારણમલ્ટિપ્લેકસ સિનેમાની મનમાની છે.
નિર્માતાઓ સાથેની મુલાકાત દરમિયાન એવી ચર્ચાઓ સાંભળવા મળી હતી કે મલ્ટિપ્લેક્સ સિનેમા વાળાઓને પ્રાદેશિક ફિલ્મો ચલાવવામાં કોઈ ઈન્ટ્રેસ નથી. કારણ કે તેમને બોલિવૂડની મોટી આવક હોવાથી તેઓ ગુજરાતી ફિલ્મો ચલાવવા જ નથી માંગતાં. કેટલાક નિર્માતાઓતો એવું કહેતા સાંભળવા મળ્યાં હતાં કે મલ્ટિપ્લેક્સ વાળાઓ ગુજરાતી ફિલ્મોને સવારનો શો આપે છે અને તે સિવાય સાંજે 4 વાગ્યાનો શો આપે છે. હવે આ બંને સમય કોઈ વ્યક્તિને કેવી રીતે અનૂકૂળ થઈ શકે. લોકો ફિલ્મ જોવા માટે કાંતો રાતના શો માં જાય અથવા તો બપોરે 12 વાગ્યાના શોમાં જાય. કોઈ પોતાનો સમય બગાડીને ફિલ્મ જોવા કેવી રીતે જાય. સવારમાં માણસ હજી તો ઉઠ્યો જ હોય ત્યારે સિનેમામાં ફિલ્મ શરૂ થવાનો ટાઈમ હોય. હવે આવા સમય મળે તો ગુજરાતી ફિલ્મોને દર્શકો કેવી રીતે મલી શકે આવા અનેક કારણો નિર્માતાઓમાં ચર્ચાઈ રહ્યાં હતાં. એક નિર્માતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તમે કોઈ સિનેમાનું બૂકિંગ જુઓ તેમાં બોલિવૂડની ફિલ્મની સીટીંગ ખાલી હશે તો પણ તેને શો મળશે. પરંતું ગુજરાતી ફિલ્મ માટે અમે રોજ 70 ટિકીટો સિનેમા વાળાઓ પાસેથી ખરીદીએ છતાં પણ તેઓ શો ચલાવવા માટે તૈયાર નથી. તેમનું એવું કહેવું હોય છે કે તમારી ફિલ્મને દર્શકો નથી મળતાં તો હવે ફિલ્મ ઉતારી લેવી પડશે. તે ઉપરાંત સિનેમામાં ફિલ્મનું પોસ્ટર લગાવવાના પણ મલ્ટિપ્લેક્સ વાળાઓ નિર્માતાઓ પાસેથી પૈસા લે છે.
ગુજરાતમાં સરકારે સબસીડી જાહેર કરી પણ જો મહારાષ્ટ્રની જેમ દિવસમાં બે શો પ્રાદેશિક ફિલ્મોના બતાવવા એવો કાયદો કર્યો હોત તો કદાર ગુજરાતી ફિલ્મોને સારૂ પ્રોત્સાહન મળી શક્યુ હોત. આજે કોઈ ગુજરાતી ફિલ્મનો પ્રોડ્યુસર એક બે કરોડનું બજેટ ખર્ચીને ફિલ્મ બનાવે તો તે થોડી કમાણીની આશા રાખે. પરંતું મલ્ટિપ્લેક્સની મનમાનીને કારણે તેના રૂપિયાનું માત્ર પાણી થાય છે. લોકોને ફિલ્મો જોવી છે. સારી ગુજરાતી ફિલ્મો જોવી છે. પરંતું સિનેમામાં શો ના મળવાના કારણે લોકો જોઈ શકતાં નથી.
જો આમનું આમ રહેશે તો પ્રાદેશિક ફિલ્મો અગાઉની જેમ ક્યાંય ઈતિહાસ બની જશે. પોતાની ભાષાને બચાવવા વાળાઓ તથા ગુજરાતી ફિલ્મોનો વિકાસ થાય તે માટે મથી રહેલા લોકો મલ્ટિપ્લેક્સ બાબતે અવાજ ઉઠાવવા માટે કેમ તૈયાર નથી. જો સરકારને આ બાબતે ફરિયાદ કરવામાં આવે તો ફેર પડી શકે એમ છે. પરંતું કોઈને તેમાં રસ નથી એવું નિર્માતાઓના મોઢે હાલમાં ચર્ચાઈ રહ્યું છે. તેમના હૃદયમાં રહેલું દુખ તેઓ ચર્ચાઓમાં જ રજુ કરી રહ્યાં છે.