ગુજરાતી ફિલ્મ 'થઈ જશે'ની સેન્સર કોપી લીક થઈ તે અંગે હજી પોલીસને કોઈ સગડ મળ્યાં નથી
કેડિયા-ચણિયાચોળીમાંથી બહાર નીકળીને બની રહેલી ગુજરાતી ફિલ્મો 'પાઈરસી'થી પરેશાન છે. વધુ એક ગુજરાતી ફિલ્મ 'થઈ જશે'ની સેન્સર કોપી લીક થઈ હતી ત્યારે કેવી રીતે જઇશ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ પછી આ ચોથી અર્બન ગુજરાતી ફિલ્મ છે જે આ રીતે લીક થઇ છે. . તા. 3 જૂનના રોજ થિએટર્સમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ તે અરસામાં જ આ ફિલ્મ મોબાઈલ ફોન ઉપર 'ફરતી' થતાં સાયબર સેલને ફરિયાદ આપવામાં આવી હતી. સતત ચોથી ફિલ્મ લીક થતાં ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ લીક થયા અંગે પોલીસ હજી તપાસ કરી રહી છે પણ આની પાછળ કોણ છે તેના સગડ મેળવવામાં પોલીસને હજી સુધી સફળતા મળી નથી. ઉલ્લેખનીય છે કે મંજૂરી માટે અપાયેલી ફિલ્મની પ્રિન્ટની સલામતી અને ગુપ્તતાની તકેદારી લેવાની જવાબદારી સેન્સર બોર્ડ અને ગુજરાત માહિતી અને પ્રસારણ વિભાગની છે. જો ફિલ્મ લીક થાય તો અમારી પાસે રહેલા સેટેલાઇટ, વીડિયો અને ઓવરસિઝ રાઇટ્સનું પણ નુકસાન થાય છે એવું દિગ્દર્શકો અને પ્રોડ્યુસરોનું કહેવું છે. અંગે ‘થઈ જશે’ ફિલ્મના પ્રોડ્યુસર અજય પટેલે કહ્યું હતું કે, પ્રિન્ટ્સ માર્કેટમાં ફરતી થઈ તે અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પણ હજી સુધી તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી.