ભણવું જ છે, અને જેને ભણાવવું જ છે તેઓનાં માટે 'ટીચર્સ ડે સ્પેશિયલ'

અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં કમલભાઈ ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. આજના યુગમાં એક તરફ શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે ત્યારે કમલભાઈ ગરીબ બાળકોને મફત શિક્ષણ આપીને એક ઉમદા શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે શિક્ષક દિવસ નિમિતે કમલભાઈની ફૂટપાથ સ્કુલની મુલાકાત લીધી હતી.

આંબાવાડીના ભુદરપુરા રોડ પરથી પસાર થતી વખતે રસ્તા પર જ વેલ્ડિંગની દુકાન બહાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતાં. પ્રથમ રીતે જોતાં એવું લાગે અહીં જરૂર કલાસીસ ચાલતા હશે. પરંતુ અહીં કલાસીસ નહીં પણ મજુર વર્ગના બાળકો માટે મફતમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી શિક્ષણ આપવામાં આવે છે. વેલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષના કમલભાઈ પરમાર 15 વર્ષથી ગરીબ વર્ગના બાળકો માટે મફતમાં શિક્ષણ આપવાનું કામ કરે છે.

આંબાવાડીના મહેનતપુરા, સુખીપુરા, આંબેડકર કોલોની અને ભુદરપુરા વિસ્તારમાં રહેતા મજુરોના છોકરાઓ માટે 15 વર્ષથી કમલભાઈ મફતમાં શિક્ષણ આપવાનું કર્ય કરી રહ્યા છે. મહત્વની વાત અ છે કે કમલભાઈ માત્ર સાત ચોપડી જ ભણેલા છે. અને તેઓની આ ફૂટપાથ શાળામાં 15 વર્ષ પહેલા જે છોકરાઓ ભણવા આવતા હતા તેઓ જ આજે અહીં અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. અને પોતે પણ ભણે છે. અહીં ભણતા ઘણાં વિદ્યાર્થીઓ આજે મેડિકલ અને ઈજનેરી કોલેજ સુધી પહોંચી ગયા છે. તો ઘણા વિદ્યાર્થીઓએ અહી રસ્તા પર અભ્યાસ કરીને ધો-10-12માં 90 ટકા માકર્સ પણ મેળવ્યા છે.

રસ્તા પરથી પસાર થતા લોકો આ કામગીરી જોઈને વિદ્યાર્થીઓને બેગ, પેન, ચોપડા, નોટબુક આપી જાય છે. કમલભાઈ દરેક વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યું લઈ તેની આવડત મુજબ તેમને ભણાવે છે. દર વર્ષે અહીં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. કમલભાઈ તેને વ્યવસાય બનાવવા નથી માંગતા. જો તમે આરક્ષણ ફિલ્મ જોઈ હશે તો અહી જરૂર તમને કમલભાઈમાં આરક્ષણ ફિલ્મમાં અમિતાભે ભજવેલો રોલ યાદ આવશે. આજે શિક્ષક દિવસ નિમિતે કમલભાઈ જેવા શિક્ષકોને સો સો સલામ.

વેબદુનિયા પર વાંચો