એ ગ્રુપ પાસ થયું, બી ગ્રુપ ટોપર

P.R

આજે જાહેર થનાર ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ઘણા પરિણામ ચોંકાવનારા છે. મેથ્સ વિષ્ય રાખનારા એ ગ્રુપના વિદ્યાર્થીઓ પાસ થવામાં આગળ રહ્યા છે તો બાયોલોજી વિષય રાખનારા બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ મેરીટમાં આગળ રહી ટોપર બન્યા છે.

સમગ્ર રાજ્યમાં અવ્વલ રહેનારા ટોપ ટેનમાં 21 વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાંથી 15 વિદ્યાર્થીઓ બી ગ્રુપના છે જ્યારે એ ગ્રુપના માત્ર 6 વિદ્યાર્થીઓ જ છે. જ્યારે સમગ્ર પરિણામ જોતાં એ ગ્રુપનું પરિણામ 77.29 ટકા નોંધાયું છે તો એની સામે બી ગ્રુપનું પરિણામ માત્ર 66.62 ટકા જ નોંધાયું છે. તો એબી ગ્રુપ રાખનારા વિદ્યાર્થીઓનું પરિણામ 29.61 ટકા જ આવ્યું છે.

વિગતે વાત કરીએ તો એ ગ્રુપમાં નોંધાયેલા 62062 પૈકી 61778 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી 47750 પાસ થતાં 77.29 ટકા પરિણામ નોંધાયું છે. બી ગ્રુપમાં 27675 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 27423 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી 18268 પાસ થતાં પરિણામ 66.62 ટકા નોંધાયું છે. જ્યારે બંને એબી ગ્રુપમાં 1093 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 949 પરીક્ષામાં બેઠા હતા જેમાથી 281 વિદ્યાર્થીઓ જ પાસ થતાં પરિણામ 29.61 ટકા જ નોંધાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ગત વર્ષના પરિણામ કરતાં 2.31 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષનું પરિણામ 75.85 ટકા હતું જ્યારે આ વર્ષે 73.54 ટકા નોંધાયું છે. ગત વર્ષે એ ગ્રુપનું પરિણામ 80.60 ટકા તથા બી ગ્રુપનું પરિણામ 70.98 ટકા નોંધાયું હતું.
P.R