વોટર ફેસ્ટીવલ : પૌરાણિક સ્મારકોને લોકો સાથે જોડવાનો ફેસ્ટિવલ

ગુરુવાર, 10 નવેમ્બર 2016 (12:44 IST)
ગુજરાત અને ગુજરાતની પૌરાણિક હેરિટેજ સાઈટો આજે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. મોઢેરાનું સૂર્ય મંદિર હોય કે પછી પાટણમાં રાણની વાવ હોય કે પછી વડનગરનું તોરણ હોય. આ બધી સાઈટો આજે વિશ્વના લોકોને પોતાની તરફ આવકાર આપી રહી છે. પરંતુ દુઃખની વાત એ છે કે રાજ્યની જનતા જ આ સાઈટોને ભુલી રહી છે. કોઈ આવી અમૂલ્ય અને પૌરાણિક પુરાતત્વ સાઈટો જોવા માટે આજે સમય કાઢી શકતું જ નથી.

આ સાઈટોમાં એક સમયની વાત છે. જેમાં વર્ષો જુના લોકોની કહાની છે, કેવી રીતે બંધાઈ હશે આ સાઈટો એવી એક વિચાર કરવાની તસ્દી પણ લેવી એ આજના યુવા વર્ગને પડી નથી. ત્યારે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ડાન્સર અને ડિઝાઈનર બિરવા કુરેશી છેલ્લા છ વર્ષથી આવી હેરીટેઝ સાઈટોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે. આર્ટ ઓફ ક્રાફ્ટે માત્ર પાંચ વર્ષના સમયગાળામાં તમામ અમદાવાદીઓના દિલો દિમાગ પર એક ઉંડી પકડ કાયમ કરી લીધી છે.  આ વખતે આ ફેસ્ટીવલ અડાલજની વાવ ખાતે 19 નવેમ્બરે યોજાનાર છે એવું બિરવા કુરેશી અને જાણીતા તબલા વાદક ફેયજલ કુરેશીએ જણાવ્યું હતું.

ક્રાફટ ઓફ આર્ટની પહેલી રજુઆત સુફી અને વોટર ફેસ્ટીવલથી થઈ હતી. આ ફેસ્ટીવલની ચર્ચા તેમાં પીરસવામાં આવતા ભિન્ન અને ગુણવત્તા સભર સંગીતની સાથે એક સેતુની ગરજ સારે છે. તે અમદાવાદીઓના ભવ્ય વારસાને અમદાવાદીઓ સાથે જોડે છે. .યુવા હૈયાઓને જુના વિચારો સાથે જોડે છે. તો વળી સમાજના ભદ્ર વર્ગને આમ જનતા સાથે જોડે છે. આ અંગે બિરવા કુરેશી કહે છે કે અમારો ઉદ્દેશ માત્ર આ સ્મારકોને ભવ્ય રોશનીથી ઝળહળતા કરવાનો કે ભાવ પૂર્ણ સંગીત પીરસવા પુરતો નથી. પણ અમદાવાદના ઈતિહાસ, વારસો ,સંસ્કૃતિ, કલા-સાહિત્ય અને ભવ્ય ઈમારતોને સમજાવવાની એક પ્રક્રિયા છે. તે ઉપરાંત અમે ભૂતકાળ તરફ અળગાવ રાખતાં અને સ્મારકોને વિસરતાં જતાં પોતાના વારસાથી દુર થયેલા લોકોની ચિંતાને દુર કરવાની દિશામાં કાર્યરત છે. આવી ઈમારતોનું પરિક્ષણ અને જતન થાય તે આજે અનિવાર્ય બની રહ્યું છે.

શું છે વોટર ફેસ્ટીવલ ?

વોટર ફેસ્ટીવલ એક એવો ફેસ્ટીવલ છે જે કોઈપણ પૌરાણિક પાણીના સ્ત્રોત હોય તેવા સ્મારક પર કરવામાં આવે છે. આ સ્મારક પર દેશના દિગ્ગજ ક્લાસિકલ સંગીતના કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવે છે અને તે સ્મારકને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે. એક સમયે લોકોને પાણીની જરૂરિયાત પુરી પાડતા આજે લાગણી અને હૈયામાંથી લઈને હંમેશા માટે સુકાઈ ગયેલા આ સ્ત્રોતને લોકો સુધી તેની મહત્તા અને મહાનતાની વાત લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ ફેસ્ટીવલ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી છેલ્લાં પાંચ વર્ષથી માત્ર અમદાવાદમાં ચાલતા આ ફેસ્ટીવલને હવે પાટણની રાણીની વાવ પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આવનારા નવેમ્બર મહિનામાં તેનું ભવ્ય આયોજન અમદાવાદની અડાલજની વાવ અને પાટણની રાણકી વાવ પર એક રસીક શાસ્ત્રીય સંગીતના સમારોહ સાથે થઈ રહ્યું છે.

આ વખતે કોણ કલાકારો ?

 
આ વખતે પણ ગુજરાતની આ એક વિશ્વ પ્રખ્યાત હેરિટેજ સાઈટ પર શેલ્ડોન ડિસોઝા ( સેક્સો ફોન). સંજય દિવેચા ( ગિટારિસ્ટ), વરૂણ સુનિલ ( પરકસન), શ્રીધર પાર્થશાસ્ત્રી (મૃદંગ) આરિફ ઝકારિયા જેવા કલાકારો સંગીત રસ પીરસશે. 

વેબદુનિયા પર વાંચો