ગુજરાતમાં બર્ડફ્લૂનો ફફડાટ, 1,481 શંકાસ્પદ ચાઈનીઝ મરઘા મળી આવ્યા

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (10:59 IST)
હાથીજણના આશા ફાઉન્ડેશનમાં કેટલાક પક્ષીઓનો બર્ડ ફ્લૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ નાગરિકોમાં ફેલાયેલા ગભરાટને લઇને રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે નિયમિતપણે બર્ડ ફ્લુના ચેકિંગને કારણે જ તેને અટકાવવાના પગલાં પહેલાંથી જ લઇ લેવામાં આવ્યાં છે અને કોઇએ ગભરાવાની જરુર નથી.સાથે આશા ફાઉન્ડેશનના 14 વ્યક્તિઓને ટેમી ફલૂની દવા આપીને તમામને આઇસોલેશન માટે 7 દિવસ સુધી આઇસોલેટ રાખવામાં આવ્યા છે
 
શહેરના વસ્ત્રાલમાંથી બે દિવસ પહેલાં સોમવારે શંકાસ્પદ 1,481 ચાઇનીઝ મરઘા મળી આવ્યા હતા જેથી તાબડતોડ મંગળવારે કલેક્ટરે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને 31મી ડિસેમ્બરના રોજ આશા ફાઉન્ડેશનમાંથી મોકલાયેલા મરઘાના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. હાથીજણના એક કિ.મી.ના વિસ્તારમાંને ઇફેક્ટેડ ઝોન જાહેર કરી દેવાયો હતો પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વસ્ત્રાલમાંથી પકડાયેલા ચાઇનીઝ મરઘા બર્ડ ફ્લૂના સંક્રામિત હોવાની શંકા હતી છતાં પણ 1,430 ચાઇનીઝ મરઘા પૈકીના 1,300 જેટલા મરઘા હાથીજણના આશા ફાઉન્ડેશનમાં મોકલાયા હતા જ્યારે 100થી વધુ ચાઇનીઝ મરઘાઓને મેમનગર ફાયર સ્ટેશન પાછળ આવેલી અન્ય એક સંસ્થામાં મોકલાયા હતા. આ કામગીરી પશુપાલન ખાતા, કલેક્ટર તંત્ર કે મ્યુનિ.એ કરી ન હતી પણ પોલીસે આ મરઘા મેમનગરની એક સંસ્થામાં મોકલી આપ્યા હતા.
 
હવે આ મરઘાનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ માટે ભોપાલ સેમ્પલ મોકલી દેવાયા છે પણ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. જ્યારે 31મી ડિસેમ્બરે હાથીજણના આશા ફાઉન્ડેશનમાં બર્ડ ફ્લુ પોઝિટિવ રિપોર્ટ આવી ચૂક્યો હતો તો પછી ચાઇનીઝ મરઘા ત્યાં કેમ મોકલાયા ? જ્યારે વસ્ત્રાલમાં ચેપ ફેલાયો છે તો પછી મેમેનગર વિસ્તારમાં પણ ચેપ ફેલાય તે પ્રકારે બેદરકારી દાખવીને 100થી વધુ ચાઇનીઝ મરઘા ત્યાં કેમ મોકલાયા તેનો જવાબ કોઇની પાસે નથી. આમ હાથીજણ બાદ મેમનગર વિસ્તારમાં પણ બર્ડ ફ્લૂનો ચેપ ફેલાય તેવી ભીતિ ઊભી થઇ છે. હાથીજણમાં મરઘાનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક કિ.મી.ના વિસ્તારને ઇફેક્ટેડ ઝોન જાહેર કરીને તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. ગઇકાલથી માંડીને આજ સુધીમાં બર્ડ ફ્લૂ સંક્રામિત 1481 મરઘાઓને ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દાટી દેવાયાં હતા. એક કિ.મી.ના વિસ્તારમાં સર્ચ કરીને 191 જેટલા પક્ષીઓને પકડીને મરાયા હતા. ઉપરાંત 10 કિ.મી.ના વિસ્તારમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરીને નમૂના લઇને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો