વિશાળ એલ.ઇ.ડી સ્ક્રીનનાં કારણે હવે સોમનાથ મહાદેવનાં દર્શન મંદિરની બહારથી પણ થશે

ગુરુવાર, 16 એપ્રિલ 2015 (15:57 IST)
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશવિદેશના લાખો ભાવિકો ઐતિહાસિક મંદિરની મુલાકાત લઈને સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. યાત્રિકોના ધસારાને પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાદાના દર્શન માટે લાઈવ પ્રસારણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સોમનાથ મંદિરમાં થતી આરતી, પૂજન તેમજ શ્રૃંગાર દર્શનનો લાભ ભાવિકો મંદિરની બહાર બેસીને એલઈડી સ્ક્રીન પરથી લઈ શકશે. આ ઉપરાંત સોમનાથ દાદાના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં રાત્રે ૯.૩૦ને બદલે હવે ૧૦ વાગ્યા સુધી દર્શનનો લાભ મળી શકશે.

સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસપાટણ માટે અરબી સમુદ્રના કિનારે સુપ્રસિદ્ધ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતું સોમનાથ મંદિર આવેલું છે. શિવપુરાણમાં સોમનાથ મંદિરનું વિશેષ મહાત્મ્ય કંડારવામાં આવ્યું છે. સોમનાથ દાદાના દર્શન માટે વર્ષે દેશ-વિદેશના લાખો યાત્રિકો આવે છે. અરબી સમુદ્રના અફાટ મોજાઓ દાદાના ચરણસ્પર્શ માટે અધીરા બનતા હોય એવો નજારો જોવા મળે છે. યાત્રિકો દાદાના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરની બહાર એલઈડી મૂકવામાં આવ્યા છે. જેમાં આરતીથી લઈને પૂજન સુધીના દર્શનનો લાભ ભાવિકો લઈ શકશે. આ ઉપરાંત રાત્રે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના અતિ પાવનકારી તીર્થસ્થાનોમાં મોખરાનું સ્થાન ધરાવતા સોમનાથમાં ખાસ કરીને શ્રાવણ મહિનો તેમજ શિવરાત્રિ સહિતના તહેવારોમાં મોટા મેળા યોજાય છે. જેમાં દેશવિદેશમાંથી લાખો શિવભક્તો દાદાના દર્શનાર્થે આવે છે. આ સિવાયના દિવસો દરમિયાન પણ શ્રધ્ધાળુઓનો ધસારો રહેતો હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો દેવાધિદેવના સરળતા પૂર્વક દર્શન કરી શકે તે માટે વિવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.

(ફોટો સૌજન્ય - સોમનાથ ટુરીઝમ) 

વેબદુનિયા પર વાંચો