હવે ગિરનારના જંગલમાં પણ સિંહદર્શન થઈ શકશે
સાસણના જંગલમાં વિહરતા સિંહનાં દર્શન માટે પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. સિંહદર્શનની પરવાનગી માટે હવે ઓનલાઈન પ્રોસેસ કરવી પડે છે અને પરવાનગીથી વધુ સંખ્યામાં લોકો કતારમાં હોય છે. કેટલાંક પ્રવાસીઓને પરમિશન ન મળતાં તેઓ નિરાશ પણ થાય છે. આ સ્થિતિ સિંહદર્શન માટે સાસણના વિકલ્પ તરીકે ગિરનારના જંગલમાં પણ સિંહદર્શન માટેની વ્યવસ્થા ઊભી કરવા કવાયત હાથ ધરાઈ છે. જૂનાગઢ કોર્પોરેશને આ અંગેની દરખાસ્ત વનવિભાગને મોકલી હતી, જેનો વન વિભાગે હકારાત્મક પ્રતિભાવ પણ આપી દીધો છે. જો ગિરનારના જંગલમાં સિંહદર્શનની વ્યવસ્થા ઊભી થશે તો સાસણમાં પ્રવાસીઓનું ભારણ ઘટશે અને સ્થાનિક રોજગારી પણ ઊભી થશે.