ગુજરાતે પતંગના કાગળોની અન્ય રાજ્યોમાંથી આયાત કરવી પડે છે

સોમવાર, 9 જાન્યુઆરી 2017 (12:21 IST)
વિશ્વના મોટાભાગના દેશોમાં ઉત્તરાયણ પર્વ પતંગના માધ્યમથી ઉત્સાહભેર ઉજવાય છે. ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતની પ્રજામાં આ પર્વની ઉજવણીનો ઉત્સાહ વધુ જોવા મળે છે. કમનસીબે રાજ્યની કેટલીક બે મિલોએ કાગળનું ઉત્પાદન બંધ કરતાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પતંગના કાગળની આયાત કરવી પડતી હોઈ ગુજરાતના પતંગ રસિકોને મોંઘાભાવે પતંગોની ખરીદી કરવી પડે છે. રાજ્યમાં કાગળ ઉત્પાદનના અભાવે દોઢસો કરોડના પતંગ ઉત્સવ ઉપર વિપરીત અસર પડી છે.

કોઈપણ દેશ માટે કાગળ એ મહત્વનું સામાજિક અને આર્થિક પરિબળ ગણાય છે. ચીન,પૂર્વ એશિયા, યુરોપ કે અમેરિકા જેવા દેશોની તુલનામાં ભારતમાં કાગળની માથાદીઠ વપરાશ નહીંવત છે. મોટાભાગની કાગળની મિલો વાપીના પટ્ટા પર આવેલી છે. રાજ્યની કુલ છ કરોડની વસતીમાં ઓછી આવક ધરાવતાં વર્ગોને બાદ કરતાં મધ્યમ તથા ઉચ્ચવર્ગના ૬૦-70 ટકા લોકોને પતંગ ચગાવવાનો શોખ છે. જેમાં ૧૦ થી ૩૦ વર્ષની વય જૂથના લોકોની સંખ્યા વધુ છે, ૨૫ ટકા લોકો ઉપલી વયના છે. પતંગોનું ઉત્પાદન મુખ્યત્વે કુટિર ઉઘોગ છે. રાજ્યમાં અગાઉ સ્પેશ્યાલીટી પેપર મિલ્સ આ કાગળનું ઉત્પાદન કરતી હતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન સરળ હોઈ તેણે કાગળનું ઉત્પાદન બંધ કર્યું છે.

હાલમાં ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશની અને દિલ્હીમાં પતંગના કાગળનું ઉત્પાદન થાય છે. આ તમામ મિલો દર વર્ષે લગભગ 20 હજાર ટન જેટલો કાગળ બનાવે છે. પેપર કન્વર્ટસ દ્વારા કાગળને વિવિધ કલરની ડાઈમાં બોળીને રંગીન બનાવ્યા બાદ તેનો ઉપયોગ પતંગ બનાવવામાં થાય છે. સામાન્ય રીતે ૧૮ થી ૨૦ જીએસએમ જેટલો કાગળ વપરાય છે. હવે તો પ્લાસ્ટીકની સીટસમાંથી પણ પતંગો બને છે.
ગુજરાતમાં પેપર મિલોને પતંગના કાગળનું ઉત્પાદન કરવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. રાજ્યમાં આ પ્રકારના કાગળના ઉત્પાદન માટે ૧૦ ટીપીડીનો પેપર પ્લાન્ટ તૈયાર કરીને વધારાનો કાગળ અન્ય ઉત્પાદકોને પેકીંગ માટે વેચાણ કરીએ તો ય તેના પ્રોજેકટનો ખર્ચ રૂ।.5 થી 10 કરોડનો થાય એમ છે. વધુમાં પતંગોની માંગ મોસમ પૂરતી હોવાથી પતંગનો કાગળ બનાવવાની મુશ્કેલી થાય છે. જુદા જુદા રંગના કાગળો બનાવવાની માંગ ઓછી હોઈ મશીન વારંવાર બંધ કરવું પડે અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. જયપુર અને લખનૌ જેવા શહેરોમાં કાગળ અને કારીગરો સરળતાથી મળી રહેતાં ત્યાં પતંગો બનાવવાની પ્રવૃત્તિ મોટા પાયે વિકસી છે. પતંગ ઉત્પાદનના ઉઘોગને વિકસાવવા માટે આંતર રાષ્ટ્રીય સ્તરના પતંગો બનાવવાની ટેકનોલોજી દાખલ કરી શકાય તેવી સંસ્થા શરૂ થાય તો પતંગોની નિકાસ પણ થઈ શકશે.

સાભાર - શૈલેષ ભટ્ટ 

વેબદુનિયા પર વાંચો