અમદાવાદીઓ સહિત રાજ્યના લોકોનું પ્રિય માણેકચોકનું ખાણીપીણી બજાર વર્ષોથી પરંપરાગત રીતે લોકોને આકર્ષિત કરે છે. એનઆરઆઇ લોકોમાં ખાણીપીણી બજારની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. પરંતુ હવે આ ખાણી પીણી બજાર ‘જેવું છે તેવું’ જળવાઇ રહેવાનું છે. કેમ કે માણેકચોક સહિત પાનકોરનાકાથી ફર્નાન્ડિઝ બ્રિજ સુધીના વિસ્તારને ડેવલપ કરવાનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ સુધરાઈ દ્વારા પડતો મૂકાયો છે.
અમદાવાદ શહેરના હાર્દ સમાન માણેકચોકની કાયાપલટ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્લ્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા-એમ્બાર્ક વચ્ચે તા.૭ ફેબ્રુઆરી, ર૦૧૪એ એમઓયુ થયા હતા. એમ્બાર્ક સંસ્થાએ માણેકચોક વિસ્તારમાં ટ્રાફિક, પ્રદૂષણ, સ્થાનિક લોકો-વેપારીઓને સાંકળતો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો. તંત્ર દ્વારા એમ્બાર્કના અહેવાલને જૂન-ર૦૧૬ના પ્રારંભમાં કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર મુકાતાં એક મહિના સુધી નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મગાવાયાં હતાં. જેના આધારે સત્તાવાળાઓ અંતિમ અહેવાલ તૈયાર કરીને નવેમ્બર ર૦૧૬ સુધીમાં પ્રોજેકટ ટેન્ડર બહાર પાડવાનાં હતાં.
માણેકચોકની કાયાપલટના પ્રોજેકટ હેઠળ ત્રણ દરવાજા પાસેના પાનકોર નાકાથી લઇને ફર્નાન્ડીઝ બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવાયો હતો. માણેક બાવાનું મંદિર, જુમ્મા મસ્જિદ, રાજા અને રાણીના હજીરા, મુહૂર્ત પોળ, જૂનું શેરબજાર, સાંકડી શેરી રોશનીથી ઝળહળી ઊઠવાનાં હતાં. પાર્કિંગની સમસ્યા નિરાકરણ માટે તંત્ર બિનવપરાશના ત્રણ પ્લોટનો વપરાશ કરવાનો હતો. પ્રથમ તબક્કાની કામગીરી પાછળ રૂ.પ૦ કરોડ ખર્ચવાના હતા. જોકે ભદ્ર પ્લાઝા પ્રોજકેટના કડવા અનુભવ બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ પ્રોજકટને પડતો મૂકયો છે.
એમ્બાર્કના અહેવાલ મુજબ માણેકચોકમાં દરરોજ એક લાખ લોકોની અવરજવર રહે છે અને મધ્ય વિસ્તારનો રોજના ત્રીસ હજાર રાહદારીઓ ઉપયોગ કરે છે. માણેકચોકના મધ્ય વિસ્તારમાંથી કુલ ટ્રાફિકનો સિત્તેર ટકા ટ્રાફિક અવરજવર હેતુ વપરાશ કરતો હોઇ લગભગ એંશી ટકા વાહનો ત્રણ કે તેથી ઓછા કલાકો માટે પાર્કિંગ કરાય છે. પાંચસોથી વધુ ફેરિયાઓ રોજ માણેકચોકમાં ધંધાર્થે આવતા હોઇ ફેરિયાઓ ૧૧ ટકા ભાગનો ઉપયોગ કરે છે. સ્થાનિક લોકોને અવાજ તથા હવાનું ઓછું પ્રદૂષણ ફેરિયાઓને વધુ સારા રસ્તાં શૌચાલય અને વીજળીની સુવિધા, દુકાનદારોને ગ્રાહકો સાથે સુલભ સંપર્ક અને મુલાકાતીઓને ખરીદી માટે સલામત જગ્યા, વાહનચાલકોને સુસંગત રસ્તો અને પર્યાપ્ત પાર્કિંગ વ્યવસ્થા ઊભી થવાની હતી. માણેક બાવાના નામથી ઓળખાતું માણેકચોક તેનાં ટ્રાફિકનાં દબાણ, લારી ગલ્લાનાં દબાણ, અવાજ અને હવાનાં પ્રદૂષણ માટે એટલું જ જાણીતું હોઇ કોર્પોરેશને તેનાં કાયાપલટનો પ્રોજેકટ હાથ ધર્યો હતો.