750 વર્ષ જુના ગેળાના હનુમાનજીના મંદીરે શ્રીફળના પહાડ
સોમવાર, 23 જાન્યુઆરી 2017 (13:29 IST)
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામમાં હનુમાનજીની શિલા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આ મૂર્તિનો ઇતિહાસ આશરે 750 વર્ષ પુરાણો છે, દંતકથા મુજબ વર્ષો પહેલાના જમાનામાં ગેળા ગામે કેટલાક લોકો પોતાના પશુ ચરાવતા અને ત્યાં એક ખીજડાના વૃક્ષ નીચે આરામ કરવો એ તેમનો નિત્યક્રમ હતો. એક વખત તે ખીજડાના વૃક્ષની નીચે એક શિલા દેખાઇ એટલે તેની જાણ થતાં ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતર ગણી પૂજા કરી પરંતુ કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું પરંતુ શિલાનો અંત ન આવ્યો એટલા માટે જૂના પખાલામાં કામા કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધી શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ઝેરના પારખા ન હોય. માટે તરત જ પાડાઓ મરી ગયા અને શિલાસ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી રહ્યા ત્યારબાદ ગામ લોકોએ શ્રદ્ધાથી હનુમાન દાદાજીની પૂજા કરવા લાગ્યા અને દાદા પણ ગામ લોકોની રખેવાળી કરતા. ગામના સીમાડામાં નવુ વાહન કે લગ્ન થયા હોય તો ફરજિયાત શ્રીફળ ચડાવવું પડતું હતું. આ ચડાવવામાં આવેલું શ્રીફળ કોઇ ખાઇ શકતું નહી-એક વખત થરાદ તાલુકાના આદોદર ગામના મહંત હરદેવપુરી મહારાજ પસાર થતા તેમણે આ શ્રીફળો જોઇને લોકોને જણાવ્યું. આ શ્રીફળો હનુમાન દાદાને શું કરવા છે? બાળકોને પ્રસાદમાં આપી દો બાકીના હવનમાં હોમી નાખો એમ કહી શ્રીફળો વધેરાવ્યા અને ત્યાંથી રવાના થયા પરંતુ એ જ રાત્રે તેમને પેટમાં દુખાવો થયો પ્રાથમિક સારવાર કરવા છતાં સારું ના થતાં તેમણે સમાધિમાં જોયું ત્યારે ખબર પડી કે હનુમાન દાદાનો પ્રકોપ છે, માટે સવારે ગેળા હનુમાનદાદાના મંદિરે જઇ તેમણે શ્રીફળોનું તોરણ અર્પણ કરી ક્ષમા માંગી અને કીધું કે તમે મારો પણ ટાળો ન કર્યો હવે તમે શ્રીફળનો ઢગલો કરજો...તેમ કહી મીઠો ઠપકો આપ્યો ત્યારથી લઇને આજદીન સુધી હનુમાન દાદાને ચડાવવામાં આવેલા શ્રીફળ કોઇ લઇ જતું નથી અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળ દાદાને અપર્ણ કર્યા છે અને શ્રીફળોનો મસમોટો પહાડો ખડો થયો છે. પરંતુ ચમત્કાર એ છે કે આટલી મોટી સંખ્યામાં વર્ષોથી શ્રીફળ હોવા છતાં દુર્ગંધ મારાતા નથી. શ્રીફળોના પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દુર-દુરથી પગપાળા આવે છે. અને સંકટ મોચન હનુમાન દરેકની મનોકામના પૂર્ણ કરી રહ્યાં છે, દર શનિવારે અંદાજે 10 થી 15 હજાર ભાવિકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેના લીધે મંદિરની આજુબાજુ શ્રીફળના સ્ટોલના વેપારી પાસેથી ત્રણથી ચાર ગાડી ભરીને શ્રીફળ વેંચાય છે અને તેઓને રોજી-રોટી મળી રહે છે. વર્ષોથી ખેજડાના વૃક્ષ અને શ્રીફળના પહાડ વચ્ચે બિરાજમાન હનુમાન દાદાએ અત્યાર સુધી મંદિર બનાવવાનો આદેશ આપ્યો નથી માટે ખુલ્લામાં મૂર્તિ બિરાજમાન છે.