ગાંધીનગરની વિરાસત સમા નાટ્યમંચોને પાર્ટીપ્લોટમાં પરિવર્તિત કરાશે

સોમવાર, 28 નવેમ્બર 2016 (12:06 IST)
પાટનગરના સ્થાપનાકાળના વર્ષોમાં જાહોજલાલી અને નગરજનો, સંસ્થાઓ માટે અત્યંત ઉપયોગિતા ધરાવતા રંગમંચોને હવે મહાનગરપાલિકા દ્વારા પાર્ટી પ્લોટમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો છે. નગરના ૬ જેટલા રંગમંચને આ નવીનીકરણ યોજનામાં સમાવી લઈને એમાં અંદાજે ૮ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં નગરજનો માટે ઊભી કરાયેલ સુવિધાઓમાં સેકટરોના વિવિધ રંગમંચ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. પ્રારંભિક વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા, લગ્ન અને સામાજિક પ્રસંગોની ઉજવણીની સુવિધા પૂરી પાડતાં રંગમંચ જાળવણીના અભાવે લગભગ જર્જરિત ખંડેર હાલતમાં આવી ગયા છે. માર્ગ-મકાન વિભાગ પાસેથી હવે આ રંગમંચ મહાનગરપાલિકા તંત્રને સોંપાતા સૌપ્રથમ સે.૧૬ રંગમંચનું નવીનીકરણ કર્યા બાદ અન્ય સેકટરોના ૬ રંગમંચને પણ નવીનીકરણ યોજના હેઠળ અંદાજે ૮.૩૨ કરોડના ખર્ચે કિચન ટોઈલેટ, લોન, પ્રવેશદ્વાર સહિતની સુવિધાઓ સાથે નવો ઓપ અપાશે. અત્યાર સુધી રંગમંચ મોટેભાગે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ સમયોચિત જરૂરિયાતને ધ્યાનમાં લઈ આ રંગમંચ પર લગ્ન સહિતના અન્ય પ્રસંગો ઉજવી શકાય તેવી સુવિધાઓ સાથેના પાર્ટીપ્લોટ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લગ્ન જેવા પ્રસંગો માટે શહેરમાં પાર્ટીપ્લોટ જેવી યોગ્ય સુવિધાઓ ઓછી છે ત્યારે પાર્ટીપ્લોટની સરખામણીએ આ રંગમંચ ૧૦ થી ૨૦ ટકા ઓછા ભાડાના દરે નગરજનોને મળી રહેશે. આ નવીનીકરણ પામનાર રંગમંચ-પ્લોટમાં લગ્ન-મેળાવડા પ્રસંગે દોઢથી બે હજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પાંચ હજાર જેટલા લોકોને સમાવવાની ક્ષમતા હશે. આ માટેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે અને એક વર્ષમાં તેની કામગીરી પૂર્ણ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો