રિવરફ્રન્ટ પર પ્રથમ ફ્લાવર ગાર્ડન ખુલ્લો મુકાશે, વિરોધ થવાના ડરની સાથે એન્ટ્રી ફિ વસૂલાય તેવી શક્યતાઓ

શનિવાર, 22 ઑક્ટોબર 2016 (14:36 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજામાં વાહવાઇ કરવા અમદાવાદ મ્યુનિ.ના શાસકો સાબરમતિ રિવરફ્રન્ટ પર ઇવેન્ટ અને ફ્લાવર ગાર્ડનનું લોકાર્પણ કરવાની તાડામાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. ચૂંટણી વર્ષમાં જ શાહીબાગ ગાર્ડનની જેમ ચૂંટણી વર્ષમાં શહેરનો પ્રથમ ફલાવર ગાર્ડન જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે, જેની એન્ટ્રી ફી રૃ. ૧૦ થી ૨૦ રખાશે. ઉલ્લેખનીય છે કે પાંચ હેક્ટર જમીનમાં બની રહેલા ફલાવર ગાર્ડન પાછળ રૃ.૧૬ કરોડથી વધુનો ખર્ચ થશે. શહેરના એલિસબ્રિજથી સરદાર બ્રિજની વચ્ચે વિશાળ જગ્યામાં ઉભા થઇ રહેલો ફ્લાવર ગાર્ડનમાં પ્રવેશ કરવા નાગરિકોને વધુ એન્ટ્રી ફી ચૂકવવી પડે તો નવાઇ નહી, શાહીબાગ ગાર્ડનની જેમ હવે ફલાવર ગાર્ડનમાં એન્ટ્રી ફી ચુકવવાની રહેશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાવર ગાર્ડનની એન્ટ્રી ફી માટે દરખાસ્ત રૃ. ૨૦ રખાશે જો વિરોધ થશે તો ઘટાડીને રૃ. ૧૦ કરાશે. તાજેતરમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કંપનીના સત્તાધીશો દ્વારા ફ્લાવર ગાર્ડનની દુકાનોનો બારોબાર વહીવટ કરી સસ્તા ભાડે આપી દેવાઇ છે. હવે ફ્લાવર ગાર્ડનની એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે. મહત્વનું એ છે કે શાહીબાગ ગાર્ડન કરતા પણ ફ્લાવર ગાર્ડનની એન્ટ્રી ફી વધુ રાખવાની પ્રપોઝલ તૈયાર કરાશે, એટલે કે ફી રૃ.૨૦ નક્કી કરાશે. પણ જો ઉગ્ર વિરોધ થશે તો ઘટાડીને રૃ. ૧૦ કરાશે. એટલે કે નાગરિકોને ફલાવર ગાર્ડનની મફત એન્ટ્રી મળશે નહી. નોંધનીય છે કે મ્યુનિ.એ વર્ષ ૨૦૦૯માં કાંકરીયા લેન્ક ફ્રન્ટ પ્રોજેક્ટમાં પ્રથમ વખત એન્ટ્રી ફીનો કોન્સેપ્ટ અમલમાં મુક્યો હતો. એન્ટ્રી ફી રૃ.૧૦ લેવાતા ભારે વિવાદ થયો હતો. હાલમાં ૩૬ કરોડના કાંકરીયા લેક ફ્રંન્ટ પ્રોજેક્ટ સામે મ્યુનિ.એ એન્ટ્રી ફીના નામે જ ૩૬ કરોેડથી વધુની આવક મેળવી ચુકી છે. આ ઉપરાંત ઉસ્માનપુરા અને શાહીબાગ ખાતે રિવરફ્રન્ટ પાર્ક બનાવ્યા હતા જે પૈકી હાલમાં શાહીબાગ પાર્કમાં જ એન્ટ્રી ફી વસૂલાય છે. હવે આગામી દિવસોમાં ફ્લાવર ગાર્ડનમાં એન્ટ્રી ફી નાગરિકો પાસેથી વસૂલ કરાશે. પહેલા ફલાવર ગાર્ડનનું નામ કમળ ગાર્ડન રાખવાનું હતુ મ્યુનિ.ના શાસકોએ પહેલા ફ્લાવર ગાર્ડનનું નામ કમળ ગાર્ડન રાખવાનું વિચાર્યુ હતુ. પરંતુ રાજકીય વિવાદ થશે તેમ માનીને છેલ્લી ઘડીએ ફ્લાવર ગાર્ડનનું નામ નક્કી કરાયુ હતું. એટલું જ નહીં ફલાવર ગાર્ડનમાં પહેલા ફક્ત કમળના ફૂલો હોય તેવો યુનિક બનાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ હવે તમામ પ્રકારના ફૂલોનો સમાવેશ કરાશે.

વેબદુનિયા પર વાંચો