ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પ્રવેશી રહેલો હાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુઃખાવો બનશે?

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (14:06 IST)
ડિસેમ્બર-2017માં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ભાજપની વિજયકૂચને જારી રાખવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પર ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. બીજીબાજુ જાન્યુઆરીમાં બે મહાસભાઓ યોજીને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ભાજપ સામે બાંયો ચઢાવીને અનામત આંદોલનનો રણટંકાર કરશે. તાજેતરમાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મહેસાણામાં જનમેદની વચ્ચે મોદીને પડકારી ગયા છે ત્યારે રાહુલને ‘બાળક’ માનીને કરેલી ભૂલની જેમ હાર્દિકને પણ ‘હળવાશ’થી લેવાની ભૂલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે વધુ આકરી સાબિત થઈ શકે છે તેમાં કોઈ જ બેમત નથી. હાર્દિક પટેલની ગુજરાત-બંધીની મુદ્દત 13મી જાન્યુઆરીએ પૂરી થશે પરંતુ તે કમૂરતા બાદ 17મીએ સવારે 11 વાગ્યે ગુજરાતમાં પ્રવેશશે. તેમના ગુજરાત પ્રવેશને શાનદાર બનાવવા માટે 17મીના બપોરે ત્રણ વાગ્યે હિંમતનગર ખાતે વિશાળ જાહેરસભા યોજાશે. તેમાં 2 લાખ જેટલા પાટીદારોને એકત્રિત કરવાનું લક્ષ્યાંક રખાઈ રહ્યું છે. આ ઉપરાંત 28મીએ બોટાદ ખાતે કિસાન રેલી-વિશાળ જાહેર સભા યોજવાનું આયોજન કરાયું છે. આ સભામાં તો સંભવતઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પણ હાજર રહીને મોદીને તેમના જ ગઢમાં પડકારે તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપનો જનાધાર 49 ટકા અને કોંગ્રેસનો જનાધાર 39-40 ટકા જેટલો છે પરંતુ હાલને તબક્કે ભાજપને લાભ કે નુકસાન થશે તે અંગે ભાજપના જ અગ્રણીઓ દ્વિધા અનુભવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં જંગનું બ્યૂગલ ફૂંકીને ભાજપને જોરદાર લડત આપવાના સંકેત આપી દીધા છે. ગુજરાતમાં મોદી કે અમિત શાહ ગેરહાજર છે. ભાજપના પ્રાદેશિક અગ્રણીઓ તેમના બંને ધૂરંધર નેતાઓના સહારે ચૂ્ટણીના મેદાનમાં ઉતરવાના છે એવા સમયે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની સરકારને ભીંસમાં લેવા ફરી મેદાનમાં ઉતરવાના છે.ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવાની માંગ સાથે સરકારની સામે પડેલા હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર જેલવાસો પણ કરવો પડ્યો છે. હાલના તબક્કે તેઓ કોર્ટના આદેશને પગલે છ માસથી રાજસ્થાનમાં વસવાટ કરી રહ્યા છે. હાર્દિક પટેલના કહેવા મુજબ ‘તેઓ તહેવારોના કારણે 17મી જાન્યુઆરીની સવારે 11 વાગ્યે ગુજરાતમાં પ્રવેશ કરશે’ હાર્દિક પટેલની ગુજરાતમાં વાપસીને શાનદાર બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ રાત-દિવસ એક કરી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સમિતિની બેઠકો પૂરી થઈ છે. હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેઠકોનો દોર પૂરો કરાશે, ત્યારબાદ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ જમાવટ કરાશે. એકબાજુ હાર્દિક પટેલ કે તેમના સાથીદારો બિનરાજકીય આંદોલનની વાત કરી રહ્યા છે પરંતુ બીજીબાજુ તેઓ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સરકારને પાટીદાર-શક્તિનો પરચો આપવાના પણ મૂડમાં છે. સ્થિતિ એ છે કે, ગુજરાત ભાજપમાં હાલને તબક્કે સરળતાથી ચૂંટણી જીતાડી શકે તેવા કદાવર નેતાનો અભાવ છે.

વેબદુનિયા પર વાંચો