જામનગરમાં આકાશમાંથી ચીજવસ્તુઓ પડતાં લોકોમાં ફફડાટ ફેલાયો

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:53 IST)
જામનગર નજીકના સરમત ગામના વાડી વિસ્તારમાં સોમવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુ પડતાં ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ પોલીસને કરાતાં પોલીસ દોડી આવી હતી. આ પદાર્થ એરફોર્સ વિભાગનું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં એરફોર્સના અધિકારીને જાણ કરાઇ હતી. એરફોર્સ અધિકારીઓ દ્વારા આ પદાર્થ રોકેટ લોન્ચર હોવાનું જણાવાયું હતું અને પરીક્ષણ દરમિયાન અહીં પડી ગયું હોવાનું જણાવ્યું હતું.જામનગરના સરમત ગામમાં રહેતાં કરણાભાઈ લીંબાભાઈ નામના ખેડૂતની વાડી પાસે બપોરના બે વાગ્યા આસપાસ આકાશમાંથી એક વસ્તુ ધડાકાભેર જમીન પર પડી હતી અને ખૂંચી ગઈ હતી. આથી ગભરાયેલા  ખેડૂતે પ્રથમ ગ્રામજનોને અને બાદમાં પોલીસને આકાશમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ કરી હતી. આથી પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ જે.એમ. ચાવડા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ દરમિયાનમાં આ વસ્તુ એરફોર્સ વિભાગની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં એરફોર્સના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ વસ્તુ અંગે જણાવ્યું હતું કે, આ પદાર્થ રોકેટ લોન્ચર હોઈ પરીક્ષણની કામગીરી કરતી વેળાએ આ પદાર્થ અહીં આવી પડ્યો હોવાનું જણાવાયું હતું. કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક ન હોવાની જાણ થતાં ગ્રામજનો સહિત તમામ લોકોએ રાહતનો દમ લીધો હતો. એરફોર્સ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે આ રોકેટ લોન્ચર તેમનું છે. હાલ જમીનની અંદર ખૂંચી ગયેલ રોકેટ લોન્ચરને બહાર કાઢવાની કામગીરી કરાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો