સુરતમાં ચા બનાવવાનું મશીન ફાટતાં બેનાં મોત, ધડાકો સાંભળીને લોકોમાં ફફડાટ

સોમવાર, 3 ઑક્ટોબર 2016 (17:41 IST)
સુરતમાં મોટા વરાછાના સુદામા ચોક નજીકની  ટી સેન્ટરમાં ચા બનાવવાનું મશીન ફાટતાં બેનાં મોત નિપજ્યા હતા. વહેલી સવારે થયેલા જોરદાર બ્લાસ્ટને લઇ આસપાસમાં આવેલી સોસાયટીના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. નિલકંઠ ટી એન્ડ કોલ્ડ્રિંક્સ સેન્ટરમાં થયેલી દુર્ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી. ચા મશીન બ્લાસ્ટ પાછળનું કોઇ કારણ જાણી શકાયું નથી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ગંગોત્રી સોસાયટી નજીક નિલકંઠ ટી એન્ડ કોલ્ડ્રિંક્સ સેન્ટર આવેલું છે. જેમાં આજે (સોમવાર) સવારે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. ટી સેન્ટરમાં બે ઇસમ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં જમીન પર પડેલા હતા. લોકોએ 108ને ફોન કરતાં ઇમરજન્સી સારવાર ટીમ પણ દોડી આવી હતી. જોકે ઇજાગ્રસ્ત બંનેને કોઇ સારવાર મળે તે પહેલા બંનેના મોત નિપજ્યા હતા. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નિલકંઠ ટી એન્ડ કોલ્ડ્રિંક્સ સેન્ટરમાં થયેલા બ્લાસ્ટમાં મોતને ભેટેલા બે પૈકી એક મહાવીરસિંગ શેરસિંહ અને કિશોર ઠાકોર હોવાનું અને બંને કારીગર હોવાનું અને ઉજ્જૈનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.  

વેબદુનિયા પર વાંચો