લાલો લાભ વગર ના લોટે એમ મોદી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આવે છે - શંકરસિંહ વાઘેલા

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (18:04 IST)
ગુજરાત વિઘાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં હતાં. હાલમાં ચારેબાજુ એવી ચર્ચાઓ થઈ રહી છે કે મોદી આ વખતે તેમનો જન્મ દિવસ ગુજરાતમાં ઉજવશે. જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. ત્યારે જોઈએતો પીએમ બન્યાં બાદ તેઓ અઢી વર્ષમાં ત્રણ વખત જ ગુજરાત આવ્યા છે. તેઓ છેલ્લે સૌની યોજનાનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત આવ્યા હતા. આ વાતને ધ્યાનમાં લઇને ગુજરાત કૉંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લાલો લાભ વગર ના લોટે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદીના ગુજરાતના આંટા-ફેરા વધી ગયા છે.‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’, કહેનારા નરેન્દ્ર મોદીએ અઢી વર્ષ સુધી ગુજરાત તરફ લમણું પણ વાળ્યું નહોતું. હવે એકાએક ગુજરાતની મુલાકાતો બતાવે છે કે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની તૈયારી કરવા અને ગુજરાતની જનતાને મુર્ખા બનાવવાની સીરિઝ ભાજપે શરૂ કરી છે. પરંતુ પબ્લિક ભાજપને કાઢવા માંગે છે. પબ્લિક માટે ભાજપ ‘લોસ કેસ’ થઇ ગયો છે. શંકરસિંહે કહ્યું કે ગુજરાતનું બાળપણ અને જુવાની અગઢ અને અભણ રહે તેવી ભાજપાની શિક્ષણનીતિના લીધે કહેવાતું વિકસિત ગુજરાત ‘ડબ્બા મોડલ’માં આવી ગયું છે. ગુજરાત શિક્ષણમાં નંબર વન હોવાના પડદાઓ લગાડનારને ખબર નથી કે દેશમાં પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત 19મા અને માધ્યમિકમાં 17મા ક્રમે પહોંચી ગયું છે. જાહેરાતોના કરોડો રૂપિયાનો ખર્ચ બચાવીને ગુજરાતની નવી પેઢી માટે શિક્ષણની ઘટ પૂરી કરો. બીજીબાજુ આગામી 8મી તારીખે સુરતમાં યોજાનાર પાટીદાર સંમેલન અંગે શંકરસિંહે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા પાટીદારો પર ખોટા કેસો કરી, દાદાગીરી કરી, દમમારી, પોલિટિક્લ બ્લેકમિલિંગ અને એન્ટી સોશ્લયલ એક્ટિવિટીના માધ્યમથી પાટીદાર સમાજને ધમકાવીને પરાણે ભાજપમાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો