ડો.આંબેડકરની મૂર્તિના ચશ્મા ચોરાતા ઉશ્કેરાયેલા લોકોએ હલ્લો બોલાવ્યો

બુધવાર, 30 નવેમ્બર 2016 (17:34 IST)
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. ચોરીની ઘટના બનતા આસપાસના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ એક એસટી બસને ઘેરી લીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરા પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. આ ઘટનાનો રોષ સ્થાનિક લોકોમાં એટલો વધી ગયો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ એક એસ.ટી. બસ પર પથરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળા અને રસ્તા પર હલ્લો મચાવી રહેલા લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી આ જ પ્રકારે ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. જેને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વેબદુનિયા પર વાંચો