અમદાવાદના શરાફો પર આઈટીના દરોડા, સર્ચ દરમિયાન શરાફો પાસેથી સંખ્યાબંધ ID પ્રૂફની કોપીઓ મળી
રદ કરાયેલી રુ.500 અને 1000ની નોટો પર 30થી 40 ટકાનું કમિશન લઇ નવી ચલણી નોટ આપતા કે પછી કરોડોના હવાલા પાડતા અમદાવાદના મોટા શરાફો પર આયકર વિભાગની ટીમો ત્રાટકી હતી. CBIને સાથે રાખીને ત્રણ શરાફોની આઠ ઓફિસો પર કરાયેલા સર્ચ દરમિયાન અનેક લોકોના ID પ્રૂફની હજારો ફોટો કોપીઓ કોથળા ભરીને મળી આવી છે. શરાફો જે બેંકમાં પોતાના મળતીયા અધિકારીઓ હોય ત્યાં ભાડૂતી માણસો ઊભા રાખીને જૂની નોટોના બદલામાં નવી નોટો એક્સચેન્જ કરાવી લેતા હતા. સર્ચ દરમિયાન મળી આવેલી નવી નોટોની સિરિઝના આધારે આ નોટો કઇ બેંકો દ્વારા મેળવાઈ છે તેની પણ તપાસ કરાશે. આ તપાસમાં મોટા માથાઓ ઉપરાંત બેંકના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે. આયકર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ અઠવાડિયામાં આ ત્રણ શરાફોએ જ રૂપિયા સાડા ત્રણસો કરોડના વ્યવહારો કર્યા હોવાની સંભાવના છે. રુ.500 અને 1000ની નોટો બંધ થયા બાદ આ નોટોને સગેવગે કરવા માટે જે કવાયતો ચાલી રહી છે તેના ઉપર આયકર વિભાગના કર્મચારીઓ બાજનજર રાખીને બેઠા છે. ગુરુવારે આયકર વિભાગ અને CBIને સંયુક્ત બાતમી મળી હતી કે રાયપુર આજુબાજુના વિસ્તારોમાં કેટલાક શરાફો 30-40 ટકા કમિશન લઇને જૂની નોટો વટાવી આપે છે. તરત જ આ એજન્સીઓની ટીમો ત્રણ મોટા શરાફોની આઠ શાખાઓ પર ત્રાટકી હતી. આ શરાફો દ્વારા પાડવામાં આવતા હવાલા અને તેમના સેટિંગ જોઇને આયકર વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સર્ચ દરમિયાન શરાફો પાસેથી સંખ્યાબંધ ID પ્રૂફની કોપીઓ મળી આવતાં અધિકારીઓના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. કારણ કે ID પ્રૂફની સંખ્યા હજારોમાં હતી અને તેના કોથળા ભરવા પડે તેવી સ્થિતિ હતી. આટલી મોટી સંખ્યામાં ID પ્રૂફ કેવી રીતે આવ્યા તેની તપાસ પણ કરાશે. આ કૌભાંડના કારણે જ બેંકો આગળ કતારોમાં ઊભા રહેતા લોકોને નાણાં મળતા નહોતા. અધિકારીઓને સર્ચમાં રૂપિયા 20 લાખની નવી ચલણી નોટો પણ મળી આવી છે. આ નોટો RBIએ કઇ બેંકને ફાળવી હતી તેની વિગતો મેળવી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા આયકર વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવે તેવી સંભાવના છે. હાલ કાળા રૂપિયાનો કાળો કારોબાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારીઓ અને જેમની પાસે ખુબ જ કાળું નાણું છે તેઓ નોટોનો વહિવટ કરવામાં જ પડ્યા છે. ત્યારે આયકર વિભાગના ધ્યાને આવ્યું છે કે મોટા પોલીસ અધિકારીઓ પણ આ વહિવટમાં સંડોવાયેલા છે. જે અંગેની તપાસ ચાલી રહી છે.