સુરતમાં માનસિક રીતે બિમાર યુવક હાઈટેન્શન લાઈન પર ચડી ગયો, ફાયર ઓફિસરોએ લાઈવ રેસ્ક્યુ કર્યો

બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (12:25 IST)
સુરતમાં પુણા કુંભારીયા રોડ ઉપર સ્થિત ન્યુ સરદાર માર્કેટમાં બુધવારે વહેલી સવારે હાઇટેન્શન લાઇનના ટાવર ઉપર ચડી ગયેલા એક યુવાનને લઇ ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાને લઈને માર્કેટના વેપારીઓ સહિત લોકોના  ટોળા ભેગા થઇ ગયા હતા. 70 ફૂટ ઉંચા હાઈટેન્શન લાઈનના ટાવર પર ચડી યુવકે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. જ્યારે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીની મદદથી રેસ્ક્યૂ કરી યુવકને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુવાન માનસિક બીમાર હોય તેમ લાગી રહ્યું હતું. આખી ઘટનાને એક રાહદારીએ પોતાના મોબાઇલ કેદ કરી લીધી હતી.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફાયરના જવાનોઓ તાત્કાલિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીની મદદથી રેસ્ક્યૂ કરી યુવાનને સમજાવી નીચે ઉતાર્યો હતો.  તપાસ કરતાં યુવાને તેનું નામ પ્રવીણ બાલાભાઇ પરમાર જણાવ્યું હતું. પ્રવીણ ભરૂચ-હાંસોટના ઇલાવગામનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. પ્રવીણની વાતચીત પરથી તે માનસિક બીમાર હોય તેવું લાગી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દોડી આવેલી પુણા પોલીસે પ્રવીણને કસ્ટડીમાં લઇ લીધો હતો.  

વેબદુનિયા પર વાંચો