35 દલિત સંગઠનોનું 31મીએ અમદાવાદમાં મહાસંમેલન, ઝાડુ હેઠા મુકશે

બુધવાર, 27 જુલાઈ 2016 (14:28 IST)
ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને અન્યાય સામે ગુજરાતનાં ૩૫ જેટલાં દલિત સંગઠનો એકઠાં થઈને ઊના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા અંતર્ગત અમદાવાદમાં ૩૧ જુલાઈએ દલિત મહાસંમેલન યોજશે અને જો પોલીસ કે સરકાર પરમિશન નહીં આપે તો પણ મહાસંમેલન યોજાઈને જ રહેશે એવી ચીમકી સમિતિએ ઉચ્ચારી છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતની નગરપાલિકાઓમાં સફાઈકામ કરતા અંદાજે એક લાખ સફાઈ-કામદારોને ઝાડુ મૂકી દઈને તાકાતનો પરિચય કરાવવા આહ્વાન કર્યું છે.

ઊના દલિત અત્યાચાર લડત સમિતિના કન્વીનર જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, વાલજીભાઈ, નીતિનભાઈ તેમ જ અન્ય સભ્યોએ પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં મોટા સમઢિયાળા ગામે અને ઊનામાં દલિત યુવાનો પર અત્યાચાર થયો હતો એ અગાઉ પણ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થતા રહ્યા છે. BJPની સરકાર દલિતવિરોધી છે. BJP–કૉન્ગ્રેસના નેતાઓ ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી દલિતોના રક્ષણ અને ઉત્થાનની વાસ્તવિક જવાબદારીમાંથી છટકી જાય છે ત્યારે દલિતોના પ્રશ્નોને વાચા આપવા અને અમારી માગણીઓને ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માટે ૩૧ જુલાઈએ અમદાવાદની કલેક્ટર કચેરી સામે ગુજરાતનાં તમામ દલિત સંગઠનો, દલિત સંસ્થાઓ અને દલિત ભાઈઓ-બહેનો વતી દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.’

ગુજરાતની નગરપાલિકાઓમાં ફરજ બજાવતા અંદાજે એક લાખ જેટલા સફાઈ-કામદારોને આહ્વાન કરવામાં આવ્યું છે કે એક અઠવાડિયું ઝાડુ મૂકી દો તો સરકાર અને સમાજને તમારા શ્રમના મૂલ્યની ખબર પડશે. સરકારને તાકાતનો પરિચય કરાવો. આ સફાઈ-કામદારોને કાયમી કરતા નથી અને તેમનું શોષણ થાય છે.

કાશ્મીરમાં જે સ્થિતિ પંડિતોની થઈ છે એવી સ્થિતિ ગુજરાતમાં દલિતોની થઈ છે. કાશ્મીરમાં શ્રીનગરમાં પંડિતો માટે અલગ વસાહત બનાવવા માગે છે તો ગુજરાતમાં અમારું રીહૅબિલિટેશન કેમ નહીં? ગુજરાતમાં દલિત પરિવારોને જમીન આપવાની માગણી કરવામાં આવી છે.

દલિતો પર અત્યાચાર કરનારા જામીન પર છૂટી જશે માટે તેમને તડીપાર કરી દેવા માટે અને તેમના પર પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશ્યલ ઍક્ટિવિટીઝ (PASA) લગાડવા, જવાબદાર પોલીસ-કર્મચારીઓ સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવા તેમ જ નર્દિોષ દલિતો પર કરવામાં આવેલા ખોટા કેસો પાછા ખેંચી લેવાની માગણી આ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો