દુર્ગામાતાજીના વિસર્જન દરમિયાન ડુમસના દરિયામાં ત્રણ ડૂબ્યા, એકનું મોત
ડુમસના દરિયામાં દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી ત્રણ જણ તણાયા હતાં. જેમાં એક યુવકને બચાવી લેવાયો હતો. જ્યારે અન્ય એકનું મોત થયું હતું. જ્યારે ત્રીજાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાંડેસરાના ભક્તિનગર ખાતે મા દુર્ગાની પૂજા કરવામાં આવી હતી. અને આજે વિસર્જન યાત્રા યોજાઈ હતી. જેમાં 20થી 25 જેટલા યુવકો દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન અર્થે ડુમસ ગયા હતાં. જ્યાં દરિયા ગણેશના કિનારે વિસર્જન કરતી વખતે ત્રણ યુવકો દરિયાના પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં. જેથી હાજર લોકોએ એક યુવકને બચાવી લીધો હતો. જ્યારે નિતેશ નામના યુવકનું ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે ત્રીજા યુવકને શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુર્ગા માતાના વિસર્જન સમયે દરિયામાં ડૂબી જનાર યુવક મૂળ બિહારનો વતની છે.