સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં સોમવારે ધરોઇ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પુર આવતા મંદિર પરિસર અને ગભારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી શ્રાવણીયા સોમવારે શ્રધ્ધાળુઓ દર્શનથી વંચિત રહ્યા હતા. ધરોઇ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સોમવારે જાણે કે સાબરમતી ગાંડીતૂર બની હોય તેમ સુસવાટા મારતો પાણીનો પ્રવાહ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં ફરી વળતા મંદિરના મોટાભાગનો વિસ્તાર ડૂબી ગયો હતો. જોકે શ્રધ્ધાળુઓએ પણ સંયમ જાળવ્યો હતો.
તો બીજી બાજુ ઉપરવાસ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે સોમવારે વહેલી સવારે ધરોઇ ડેમ છલકાઇ ગયો હતો.માત્ર 4 કલાકમાં 1.85 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. જ્યારે સાબરમતી નદી બે કાંઠે વહેતી થતાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના 23 ગામો પૂરની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરાયા હતા. બીજીબાજુ ડેમ ઓવરફ્લો થયો હોવાની જાણ થતાં નજારો જોવા લોકો ડેમ સાઇટે પહોંચ્યા હતા.ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ જળાશયમાં ચાલુ વર્ષે ચોમાસુ પાણીની ખૂબ જ નહીંવત આવકને લઇને ડેમની સ્થિતિ ચિંતાજનક માનવામાં આવી રહી હતી. તેવામાં રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શનિવાર રાતથી ડેમમાં પાણીની આવક વધવાની શરૂઆત થઇ હતી. રવિવારે સાંજે 7 વાગ્યા સુધીની આવક 1480 ક્યુસેકથી વધીને 30,555 ક્યુસેક થઇ હતી. જોકે, સોમવારે વહેલી સવારે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં ડેમમાં પાણીની આવક અચાનક વધીને 1,85,000 ક્યુસેક નોંધાતાં ડેમની સપાટીએ 618.75 ફૂટનું રૂલ લેવલ પાર કર્યુ હતું. પરિણામે ધરોઇના ઇજનેરોએ સોમવારે સવારે 7 વાગે પ્રથમ 2 દરવાજા ખોલ્યા હતા.