વણઝારા દ્વારા અક્ષરધામ પર પુસ્તક લખનાર મુફ્તી ક્યુમ સામે 101 કરોડ રૂ.નો બદનક્ષીનો દાવો

મંગળવાર, 7 જુલાઈ 2015 (10:55 IST)
સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા અક્ષરધામ કેસના આરોપી મુફ્તી અબ્દુલ ક્યુમ પર પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારાએ 101 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે. મુફ્ત ક્યુમે તાજેતરમાં 11 વર્ષ સલાખો કે પીછે નામનું પુસ્તક લખ્યુ છે. જેમા પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા અત્યાચારોનો ઉલ્લેખ છે. 200 પાનાના આ પુસ્તકમાં મુફ્તીએ તત્કાલિન પોલીસ અધિકારીઓ ડી. જી વણઝારા,  જી એલ સિંઘલ અને બીજા અધિકારી દ્વરા કેવો શારીરિક માનસિક ત્રાસ અપાયો તેનો ઉલ્લેખ કર્યો છે. 2002માં થયેલ અક્ષરધામ મંદિર પર થયેલા ટેરર અટેકમાં મુફ્તીને આરોપી બનાવવામાં આવ્યા હતા અને તેમણે 11 વર્ષ જેલમાં કાઢ્યા હતા. 
 
મુફ્તીનું આ પુસ્તક પ્રકાશિત થયા પછી વણઝારાએ તેમના વકીલ વીડી. ગજ્જર દ્વારા 101 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કોર્ટમાં કર્યો છે. પીટીશનમાં દાવો કરવામાં આવ્યો છે કે મુફ્તીના આ પુસ્તકને કારણે વણઝારાની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને બુકમાં પાયાવિહોણી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીટી સીવીલ અને સેશન્સ કોર્ટમાં વધુ સુનાવની 31 જુલાઈએ નક્કી કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી મુફ્તી ક્યુમે વણઝારા સહિત ચાર અધિકારીઓ સામે સુપ્રેમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

વેબદુનિયા પર વાંચો