૧૩૭ જળાશયો પૈકી ૯ જળાશયો પૂર્ણ ભરાઈ ગયાં

શુક્રવાર, 26 જૂન 2015 (16:38 IST)
રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે રાજ્યના ૨૦૨ જળાશયો પૈકી સૌરાષ્ટ્રના ૯ જળાશયો પૂર્ણ ભરાયા છે અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૪૭ મીટરની સપાટીએ પહોંચ્યો છે. રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૫ જૂનના સૌરાષ્ટ્ર રિજિયનના કુલ ૧૩૭ જળાશયો પૈકી ૯ જળાશયો પૂર્ણ ભરાઈ ગયાં છે.

આ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ, ૭ જળાશયો ૮૦થી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૭ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાતા સામાન્ય ચેતવણી પૂર નિયંત્રણ કક્ષ દ્વારા અપાઈ છે. જ્યારે અન્ય ૧૭૭ જળાશયોમાં ૭૦ ટકાથી નીચે જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧.૪૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં ૮.૮૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૪.૩૮ ટકા, પૂર્વ-મધ્યગુજરાતમાં ૧૪.૨૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૭.૩૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૧.૪૦ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો